Arvind Kejriwal in Gujarat: ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. અરવિંદ કેજરીવાલ આજે (મંગળવારે) એક દિવસની યાત્રા પર ગુજરાતના પ્રવાસે અને કચ્છ જિલ્લાના ભૂજમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ગુજરાતને ફરી એકવાર 5 ગેરેન્ટી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે અરવિંદ કેજરીવાલે ભૂજમાં ગુજરાતમાં શિક્ષણ પ્રથા અને શિક્ષણનિતિને લઇને સવાલો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં મોટાભાગની પ્રાઇવેટ સ્કૂલો નેતાઓ ચલાવે છે, જ્યારે સરકારી સ્કૂલો હાલત ખૂબ દયનિય છે. શિક્ષણને લઇને તેમણે 5 ગેરેન્ટીની જાહેરાત કરી હતી. જેમાં (1) ગુજરાતના દરેક બાળકને સારું અને મફત શિક્ષણ આપીશું (2) દિલ્હીની જેમ જ બનાવીશું ગુજરાતની દરેક શાળાને શાનદાર બનાવીશું (3) દિલ્હીની જેમ જ ગુજરાતમાં પણ ખાનગી શાળાઓના મનસ્વી ફી-વધારા પર રોક લગાવીશું (4) બધા પ્રવાસી શિક્ષકોને કાયમી કરીશું. શિક્ષકોની ઘટ પુરી કરવામાં આવશે. (5) શિક્ષકોને બાળકોના શિક્ષણ સિવાય અન્ય કોઈ કામ નહીં. 



10 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા કેજરીવાલ
આપ નેતા અરવિંદ કેજરીવાલની એક મહિનામાં ગુજરાતની આ ચોથી યાત્રા છે. રાજ્યમાં આ વર્ષના અંત સુધી ચૂંટણી યોજાવવાની છે. જોકે વિધાનસભા ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી અને દિલ્હીના સીએમએ પોતાની કમર કસી લીધી છે. સીએમ અરવિંદ કેજરીવાલ ફરી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કેજરીવાલે એક ઓગસ્ટના રોજ ગિર સોમનાથ જિલ્લાના વેરાવળમાં એક વિશાળ સભાને સંબોધિત કરી હતી અને રાજકોટના એક મદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આ ઉપરાંત 10 ઓગસ્ટના રોજ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન સીએમ અરવિંદ કેજરીવાલે મહિલાઓ માટે મોટી જાહેરાત કરી હતી. સીએમ કેજરીવાલે વાયદો કર્યો હતો કે જો ગુજરાતમાં આમ આદમી પાર્તીની સરકાર બને છે તો 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા ભથ્થું આપવામાં આવશે. 

મોંઘવારીનો વધુ એક માર: અમૂલે કર્યો દૂધના ભાવમાં વધારો, આવતીકાલથી નવા ભાવ લાગૂ


3 હજાર બેરોજગારી ભથ્થું આપવાની કહી હતી વાત
તમને જણાવી દઇએ કે 10 ઓગસ્ટના રોજ અરવિંદ કેજરીવાલે યુવાનો અને વેપારીઓને કહ્યું હતું કે રોજગાર ન મળે ત્યાં સુધી યુવાનોને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવાની સાથે 10 લાખ નોકરીઓ આપવાનો પણ વાયદો કર્યો હતો. આ ઉપરાંત કેજરીવાલે કહ્યું કે અમે રેડ બંધ કરીશું અને વેપારીઓને ખુલ્લેઆમ વેપાર કરવાની છૂટ આપીશું. 


કેજરીવાલની ઈન્કમ ટેક્સ ઓફિસરથી માંડીને મુખ્યમંત્રી સુધીની સફર
કેજરીવાલનો જન્મ 1968માં હરિયાણાના હિસારમાં થયો હતો. અરવિંદ કેજરીવાલે 1989માં IIT ખડગપુરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા હતા. કેજરીવાલ 1992માં ઈન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS)માં જોડાયા અને ઈન્કમ ટેક્સ ઓફિસર તરીકે નિયુક્ત થયા. વર્ષ 2000માં, કેજરીવાલે કામમાંથી રજા લીધી અને પારદર્શક અને જવાબદાર વહીવટ સુનિશ્ચિત કરવાના હેતુથી દિલ્લીમાં નાગરિક ચળવળ પરિવર્તનની શરૂઆત કરી હતી. જ્યારે કેજરીવાલે તેમના પદ પર હતા ત્યારે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચલાવ્યું હતું અને આવકવેરા કચેરીમાં પરિવર્તન અને પારદર્શિતા લાવવા માટે કામ કર્યું હતું.


અરવિંદ કેજરીવાલે 2 ઓક્ટોબર 2012ના રોજ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. કેજરીવાલે સત્તાવાર રીતે 26 નવેમ્બર 2012ના રોજ દિલ્લીના જંતર-મંતર ખાતે આમ આદમી પાર્ટીની રચનાની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટીએ 2013માં દિલ્લી વિધાનસભામાં પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં કેજરીવાલે નવી દિલ્લી સીટ પરથી દિલ્લીના તત્કાલિન મુખ્યમંત્રી શીલા દીક્ષિત સામે ચૂંટણી લડી હતી અને 25, 864 મતોથી પરાજય આપ્યો હતો. 2013ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 28 બેઠકો જીતીને રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી દીધી હતી. આ પછી કેજરીવાલે કોંગ્રેસ સાથે મળીને 49 દિવસની સરકાર બનાવી અને 28 ડિસેમ્બર 2013થી 14 ફેબ્રુઆરી 2014 સુધી 49 દિવસ દિલ્લીના મુખ્યમંત્રી રહ્યા. કેજરીવાલે 49 દિવસ બાદ રાજીનામું આપ્યું હતું.


2015માં, અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં, આમ આદમી પાર્ટીએ 70માંથી રેકોર્ડ 67 બેઠકો જીતી અને જંગી બહુમતી મેળવી. 14 ફેબ્રુઆરી 2015ના રોજ કેજરીવાલે ફરીથી દિલ્લીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જે બાદ 2019માં પણ આમ આદમી પાર્ટીએ જીત મેળવી અને કેજરીવાલ ફરીએકવાર મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ, આમ આદમી પાર્ટી અનેક રાજ્યોની ચૂંટણીમાં ઝંપલાવ્યું. જેમાં, પંજાબમાં AAPએ સરકાર બનાવી. અને હાલ કેજરીવાલની આપ ગુજરાતમાં પણ સરકાર બનાવવાના પ્રયાસો કરી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube