દેવભૂમિદ્વારકા: વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા  તાલુકાના દાતા ગામના મૂળ વતનીની કેન્યામાં હત્યા થઈ છે. અજાણ્યા શખ્સે મોબાઈલની શોપમાં ફાયરિંગ કરતાં વેપારીના પુત્ર કેતનભાઈનું મોત થયું છે. મહાજન પરિવારના પુત્રની કેન્યામાં હત્યા થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ બનાવથી સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સમગ્ર ઘટના?
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વિદેશોમાં ગુજરાતીઓની હત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે આફ્રિકાના કેન્યા ખાતે સ્થાયી થયેલા ખંભાળિયા તાલુકાના દાતા ગામના મૂળ વતની એવા જૈન મહાજન વણિક પરિવારના હિંમતલાલ વીરચંદ શાહના યુવાન પુત્ર કેતનનું ગઈકાલે (સોમવારે) તેમની મોબાઈલની દુકાનમાં બેઠા હતા. ત્યારે મોટરસાયકલ પર બંદૂક સાથે અજાણ્યા શખસ ધસી આવ્યો હતો અને વેપારી પુત્ર કેતન ઉપર ધડાધડ ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં યુવાનને ગોળી વાગતા પટકાયો હતો અને તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.


કેન્યામાં ગોળીબારની ઘટનાથી સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા, જેથી બંદૂકધારી શખ્સ બાઈક પર નાસી છૂટ્યો હતો. આ બનાવ બનતા તુરંત જ સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને હત્યારાની શોધખોળ હાથ ધરી હતી. મૃતક કેતનના પરિવારમાં જયાન નામનો એક બાળક છે. હત્યાના આ બનાવે સમગ્ર મહાજન પરિવારમાં કરુણતા સાથે ભારે શોકની લાગણી પ્રસરાવી છે.