કેતન બગડા/અમરેલી :અમરેલી જિલ્લામાં આ વર્ષે કેરીનું મબલક પ્રમાણમાં ઉત્પાદન થયું છે. કેરીને લઈ અનુકૂળ હવામાન રહેતા જિલ્લાભરમાં ગત સીઝન કરતા આ વર્ષની કેરીની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં કેરીઓ આવી છે. અમરેલી જિલ્લામાં 6996 હેકટરમાં આ વર્ષે કેરીનું વાવેતર થયું હતું. જિલ્લામાં આંબા પર કેસર કેરીનો ફાલ તૈયારીના આરે પહોંચી ગયો છે. ત્યારે 10 દિવસ પછી બજારમાં કેસર કેરીનો મોટો જથ્થો આવી શકે છે. જિલ્લામાં હવામાન અનુકૂળ રહેતા કેરીનો ફાલ સારો આવ્યો છે. અમરેલી જિલ્લામાં 60108 મેટ્રિક ટન કેસર કેરીનું ઉત્પાદન થશે. ત્યારે કેરીનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. હાલમાં 10 કિલો કેરીના બોક્સનો ભાવ રૂપિયા 1000 છે, ત્યારે આવનારા દિવસોમાં રૂપિયા 1200 થી લઈ 1500 જેટલો ભાવ થશે તેવું ખેડૂતો માની રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત વર્ષ કરતા આ વર્ષે આંબા પર પુષ્કળ પ્રમાણમાં નાની ખાખડીઓ આવી હતી. આથી કેસર કેરીનો મબલખ પાક થવાની ખેડૂતોને આશા બંધાણી હતી. વચ્ચે થોડી ઠંડી પડતા અમુક આંબામાં મોર બળી ગયા હોય હતા. અમરેલી જિલ્લામાં હાલમાં 6996 હેકટર વિસ્તારમાં આંબાવાડીઓ છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ ધારી તાલુકામાં 3097 હેકટરમાં આંબાવાડીઓ છે. ત્યાર પછી સાવરકુંડલા તાલુકામાં 2215 હેકટરમા આંબાવાડી છે. આથી આ વર્ષે કેસર કેરી પુષ્કળ પ્રમાણમાં આવનારા દિવસોમાં બજારોમાં આવશે અને આના લીધે ખેડૂતો પણ ખૂબ ખુશ છે.



 જિલ્લામાં કેરીનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થયું છે, ત્યારે દીતલા ગામે રાજકોટથી આવેલ ખેડૂતે પણ સ્વીકાર્યું છે કે, બીજા જિલ્લા કરતા અમરેલી જિલ્લામાં કેસર કેરીનું સારા પ્રમાણમા પાક થયો છે અને કેરીને અનુકૂળ વાતાવરણ રહેતા જિલ્લામાં કેસર કેરીનો મબલક પાક આવનારા દિવસોમાં બજારમાં આવશે.


અમરેલી બાગાયતી વિભાગના નિયામક મુકેશભાઈ પરમાર પણ અમરેલી જિલ્લામાં કેરીનો પાક મબલક થશે તેવું જણાવી રહ્યા છે. આમ, કેરીના શોખીન માટે એક ખુશીના સમાચાર છે. જિલ્લામાં હવામાન અનુકૂળ રહેતા કેરીનો મબલક પાક આવશે. ત્યારે આવનારા દિવસોમાં ખેડૂતોને પણ ફાયદો થશે.