નડિયાદ: કહેવાય છે ડોક્ટર દર્દી માટે ભગવાન હોય છે, પરંતુ તેજ ભગવાન દર્દી માટે મોતનું કારણ બને તો શું કહેવું?  હાલ ગુજરાતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે સાંભળીને કદાચ તમારા હોંશ ઉડી જશે. ગુજરાત (Gujarat)માં એક દર્દી પથરી (Kidney Stone)ના અસહ્ય દુ:ખાવાથી કંટાળીને હોસ્પિટલમાં દાખલ થયો હતો, પરંતુ તેને ક્યાં ખબર હતી કે હોસ્પિટલ જવાનો તેનો નિર્ણય તેના માટે મોતનું કારણ બનશે. જી હા. અહીં હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીના કારણે આ દર્દીની પથરી કાઢવાના બદલે કિડની જ કાઢી નાંખી હતી. ડોક્ટરોએ શરીરમાં જરૂરી અંગ એવી કિડની કાઢી નાંખ્યાના 4 મહિના પછી દર્દીનું મોત થઈ ગયું હતું. હવે ગુજરાત ઉપભોક્તા નિવારણ આયોગ (Gujarat State Consumer Dispute Redressal Commission) એ બાલાસિનોરના કેએમજી હોસ્પિટલ (KMG Hospital)ને દર્દીના પરિવારજનોને 11.23 લાખ રૂપિયાનુ વળતર ચૂકાવવાનો આદેશ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ કન્ઝ્યુમર કોર્ટે પ્રત્યક્ષ યા અપ્રત્યક્ષ રૂપથી ડોક્ટરોની આ ઘોર બેદરકારીમાં હોસ્પિટલને પણ જવાબદાર માની છે. કોર્ટે માન્યું છે કે હોસ્પિટલ માત્ર પોતાના કાર્યો અને થયેલી ચૂક માટે જ જવાબદાર નથી, પરંતુ તેમના કર્મચારીઓની બેદરકારી માટે પણ એટલી જ જવાબદાર છે. કોર્ટે હોસ્પિટલને વર્ષ 2012થી અત્યાર સુધી 7.5 ટકાના વ્યાજની સાથે પરિવારજનોને વળતર ચુકાવવાનો આદેશ કર્યો છે.


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ખેડા જિલ્લામાં વાંગરોલી ગામના નિવાસી દેવેન્દ્રભાઈ રાવલ તેમના કમરના દુ:ખાવા અને પેશાબ કરવામાં પડતી મુશ્કેલીની ફરિયાદની સાથે બાલાસિનોરમાં આવેલી KMG જનરલ હોસ્પિટલમાં ડો. શિવુભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. મે 2011માં જાણવા મળ્યું હતું કે દેવેન્દ્રભાઈ રાવલની કિડનીમાં 14 MMની પથરી છે. તેમણે સારામાં સારી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી, પરંતુ તેમણે KMG હોસ્પિટલમાં જ સર્જરી કરાવવાની ઈચ્છા જણાવી હતી. 3 સપ્ટેમ્બર 2011ના રોજ દેવેન્દ્રભાઈ રાવલનું ઓપરેશન કરવામાં આવ્યું. પરિવાર ત્યારે હક્કા બક્કા થઈ ગયો, જ્યારે ડોક્ટરે જણાવ્યું કે પથરીની જગ્યાએ તેમની કિડની જ કાઢી નાખવામાં આવી છે. ડોક્ટરે પરિવારજનોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, આ દર્દીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જ આ ઓપરેશન કરવામાં આવ્યું છે.


ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર ઓપરેશન બાદ જ્યારે દેવેન્દ્રભાઈ રાવલને પેશાબ કરવામાં પહેલા કરતા વધુ મુશ્કેલી પડવા લાગી તો તેમણે તાત્કાલિક નડિયાદની કિડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં તેમની હાલત વધુ કથરવા લાગી તો તેમને અમદાવાના IKDRC હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં 8 જાન્યુઆરી 2012ના રોજ તેમનું મૃત્યું થયું હતું.


ત્યારબાદ દેવેન્દ્રભાઈ રાવલની વિધવા પત્ની મીનાબેને નડિયાદના કન્ઝ્યુમર વિવાદ નિવારણ આયોગનો સંપર્ક કર્યો હતો, અને કોર્ટમાં કેસ ચાલ્યો હતો. અહીં સારવાર દરમિયાન થયેલી લાપરવાહીના કારણે વર્ષ 2012માં ડોક્ટર, હોસ્પિટલ અને યૂનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરેન્સ કંપની લિમિટેડને 11.23 લાખ રૂપિયાનું વળતર પરિવારજનોને આપવાનો નિર્ણય કરાયો હતો.


જિલ્લા  કન્ઝ્યુમર વિવાદ નિવારણ આયોગના આદેશ પછી હોસ્પિટલ અને ઈન્શ્યુરન્સ કંપનીને રાજ્ય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગમાં આ વિવાદને લઈને અપીલ કરી કે વળતર કોણ આપશે? આ વિવાદ પર રાજ્ય કન્ઝ્યુમર વિવાદ નિવારણ આયોગે જણાવ્યું કે હોસ્પિટલની પાસે ઈન્ડોર અને આઉટડોર રોગ માટે ઈન્શ્યુરન્સ પૉલિસી હતી. પરંતુ સારવાર કરવાર ડોક્ટર દ્વારા થયેલી બેદરકારી માટે ઈન્શ્યુરન્સ કંપની જવાબદાર નથી. હોસ્પિટલે પથરી કાઢવા માટે સર્જરી કરી હતી અને દર્દી પાસે પથરી જ કાઢવા માટે મંજૂરી લીધી હતી, તેમ છતાં ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીની કિડની કાઢી નાંખવામાં આવી. આ સ્પષ્ટ રીતે ડોક્ટર અને હોસ્પિટલની ઘોર બેદરકારીનો કિસ્સો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube