આવતીકાલે પાટીદારોના `નરેશ`ની રાજકારણમાં એન્ટ્રી! જાણો કમળ, ઝાડૂ કે હાથ કયું ચિન્હ કરશે પસંદ
ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. નરેશ પટેલે આવતીકાલે પત્રકારો સાથે ગેટ ટુ ગેધર કર્યા બાદ પોતાનો નિર્ણય જાહેર કરે તેવી શકયતા દેખાઈ રહી છે.
ગૌરવ દવે/રાજકોટ: વિધાનસભાની ચૂંટણી ટાણે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો ચરમસીમાએ છે. હાલ હાર્દિક પટેલ અને નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાય છે તેણે લઈને અનેક દિગ્ગજ નેતાઓ, પાર્ટીઓ અને લોકો કાગડોળે રાહ જોઈ રહી છે. ખોડલધામ ચેરમેન નરેશ પટેલને લઈને છેલ્લા કેટલાંક સમયથી રાજકારણમાં પ્રવેશને મામલે અલગ અલગ અટકળો ચાલી રહી છે. હવે નરેશ પટેલ કઈ પાર્ટી બાજુ પોતાનો કળશ ઢોળે છે તે સમય નજીક આવી ગયો છે.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. નરેશ પટેલે આવતીકાલે પત્રકારો સાથે ગેટ ટુ ગેધર કર્યા બાદ પોતાનો નિર્ણય જાહેર કરે તેવી શકયતા દેખાઈ રહી છે. નરેશ પટેલે અગાઉ 25 તારીખ સુધીમાં કઈ પાર્ટીમાં જોડાશે તેનો નિર્ણય જાહેર કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હાલ નરેશ પટેલ ક્યાં પક્ષ સાથે જોડાશે તે વાતને લઈને રહસ્ય યથાવત છે.
નરેશ પટેલ રાજકારણમાં જોડાવા ઇચ્છુક છે તેવી વાત કર્યા બાદ તેઓ છેલ્લા કેટલાંક સમયથી તારીખ પે તારીખ આપીને લોકોની મૂંઝવણો વધારી રહ્યા છે. ત્યારે બુધવારે નરેશ પટેલે મીડિયા કર્મચારીઓને સામેથી આમંત્રિત કરીને ફરી લોકોને તે વિચારવા મજબૂક કરી દીધા છે કે હવે નરેશ પટેલનું સ્ટેન્ડ શું હશે? ખોડલધામ નરેશ પટેલને જ્યારે પણ રાજકારણમાં પ્રવેશવા અંગે પુછવામાં આવ્યું ત્યારે તેમણે સમાજના સરવે પર પોતાનો નિર્ણય છોડ્યો છે. ત્યારે આગામી સમયમાં નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશવા માટે કયા પત્તા ખોલે છે તે કદાચ આવનારી કાલ હોઈ શકે છે.
નોંધનીય છે કે, રાજ્યમાં પાટીદારોને રિઝવવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નરેશ પટેલને ખેંચવા માટે આમંત્રણ આપી ચૂક્યા છે. દરેક પાર્ટીએ બેઠકો પણ કરી છે. પરંતુ નરેશ પટેલ હાલ રહસ્ય પર રહસ્ય સર્જી રહ્યા છે, ત્યારે બુધવારે નરેશ પટેલ પોતાનું રાજકીય ચિત્ર સ્પષ્ટ કરી દેશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube