અમદાવાદઃ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી નરેશ પટેલ દ્વારા મધ્યસ્થી બનવાની તૈયારી દર્શાવાયા બાદ મોડી સાંજે સરકાર અને પાસ સમિતિ દ્વારા તેમની આ પહેલને આવકારવામાં આવી હતી. આ તરફ, હાર્દિકે ગઈકાલે આપેલા 24 કલાકના અલ્ટીમેટમ બાદ આજથી પાણીનો ત્યાગ કરી દીધો છે, ત્યારે ખોડલધામ ટ્રસ્ટની ટીમ હાર્દિકને મળવા મોડી રાત્રે આવે તેવી સંભાવના છે. આ સાથે જ નરેશ પટેલ પણ આવતીકાલે અમદાવાદ આવે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાસ સમિતિના પ્રવક્તા મનોજ પનારાએ આ બાબતનો સ્વિકાર કરતા જણાવ્યું કે, ખોડલધામની ટીમને અમે આવકારીએ છીએ. જો નરેશ પટેલ અહીં આવતા હોય તો તેઓ અમારા માટે સન્માનનીય વ્યક્તિ છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતના ખેડૂતો પ્રથમ વખત 25 વર્ષ બાદ દેવા માફીની માગણી કરી રહ્યા છે, ત્યારે સરકારે રાજનીતિ ન કરવી જોઈએ. જો ઉત્તરપ્રદેશમાં તેઓ નવી સરકાર બન્યા બાદ ખેડૂતોના દેવા માફ કરી શક્તી હોય તો ગુજરાતમાં કેમ કરતા નથી. 



આ તરફ હાર્દિકે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, 13 દિવસના ઉપવાસ બાદ પણ ભાજપવાળાએ અત્યાર સુધી ખેડૂતોના સૌથી મોટા પટેલ સમુદાય અંગે કશું જ વિચાર્યું નથી અને બોલ્યા પણ નથી. કોઈ વાત નહીં, હવે આગળ ચૂંટણી પણ આવી જ રહી છે.


હવે, નરેશ પટેલ મધ્યસ્થી કરવા તૈયાર થયા છે ત્યારે હાર્દિકના ઉપવાસ આંદોલનનો વહેલી તકે સુખદ અંત આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. જો આજે હાર્દિક અને ખોડલધામ ટીમ વચ્ચેની વાટાઘાટો સફળ રહે અને આવતીકાલે સરકાર અને નરેશ પટેલ વચ્ચેની વાટાઘાટો બાદ કોઈ મધ્યમ માર્ગ નિકળશે તો શક્ય છે કે, આવતીકાલે બપોર સુધીમાં હાર્દિક પારણા કરી લેશે.