અર્પણ કાયદાવાલા/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ રાજ્યમાં તમામ પક્ષોએ તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મિશન 2022 માટે ગુજરાત કોંગ્રેસ હવે લોકોના ઘરે ઘરે પહોંચશે. કોંગ્રેસ આઠ વચન સાથે દોઢ કરોડ પ્રત્રિકાનું વિતરણ કરશે. પરંતુ દર વખતની જેમ આ વખતે પણ ટિકીટની વહેંચણીમાં અનેક હોદ્દેદારો દાવાઓ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોએ કોંગ્રેસ પાસે ટિકીટની માંગણી કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જે આઠ હોદ્દેદારોએ ટિકીટની માંગણી કરી છે તેમાં દ્વારકા બેઠક પર પાલ આંબલીયાએ ટિકીટ માંગી છે. તમને જણાવી દઈએ કે પાલ આંબલીયા ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ છે. ત્યારબાદ કાલાવડ બેઠક પર ગિરધર વાઘેલાએ દાવેદારી નોંધાવી છે, ગિરધર વાઘેલા કિસાન કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ છે.
 
તેવી રીતે મોરબી બેઠક પર કાંતિલાલ બાવરવાએ ટિકીટ માંગી છે. કેશોદ બેઠક પર મનીષ નંદાણીયાએ દાવેદારી નોંધાવી છે. સાણંદ બેઠક પર મહાદેવ વાઘેલાએ ટિકિટ માંગી છે, જસદણ વીંછિયા બેઠક પર વિનુભાઈ ધડુકે દાવેદારી નોંધાવી, જ્યારે પાલનપુર બેઠક પર ભરત કરેણએ ટિકીટ માંગી છે અને જેતપુર બેઠક પર ચેતનભાઈ ગઢીયાએ ટિકીટની માંગણી કરી હોવાની માહિતી સામે આવી છે.


મહત્વનું છે કે, કોંગ્રેસ મિશન 2022માં 125 લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે. ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. આજે કોંગ્રેસ કાર્યલાય ખાતે પ્રદેશ કારોબારી બેઠક મળી હતી. જેમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપેલા આઠ વચન જન જન સુધી લઇ જવાની રણનીતિ બનાવવામાં આવી છે. કોંગ્રેસ નાગરિક અધિકાર પત્ર લઇ પ્રજા સમક્ષ જશે.


ઉલ્લેખનીય છે કે, તમામ રાજકીય પાર્ટીઓએ  મતદારોને આકર્ષવાની સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષે તો ગુજરાતમાં ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. કારણ કે આ વખતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની સાથે-સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ પાર્ટી ગુજરાતની સત્તામાંથી બહાર છે. ત્યારે કોંગ્રેસે આ વર્ષે ચૂંટણી પહેલા તમામ રણનીતિ તૈયાર કરી દીધી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube