Uttarayan : પહેલીવાર ઉત્તરાયણની ફિક્કી ઉજવણી, ધાબા પર ટોળા નથી, ચિચિયારીઓ સંભળાતી નથી
- ગુજરાતમાં પહેલીવાર લોકો નિયમો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યાં છે
- સરકારની ગાઈડલાઈન મુજબ ઉતરાયણ ઉજવવામાં લોકોને જ કોઈ રસ રહ્યો નથી
ઝી મીડિયા/બ્યૂરો :આસ્થા અને ઉલ્લાસના સરવાળા સમાન ઉત્તરાયણનું પર્વ ગુજરાતભરમાં ઉજવાઈ રહ્યું છે. ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગબાજો વચ્ચે 'અવકાશી યુદ્ધ' જામ્યો છે. 'લપેટ... લપેટ...ના ગગનભેદી નાદથી માહોલ ગૂંજી ઉઠ્યો. આ ઉપરાંત આજે ઊંધિયું-જલેબીની જ્યાફત જાણે સોનામાં સુગંધ ઉમેરવાનું કામ કરી રહી છે. અમદાવાદમાં દિલ્હી ચકલા, કાલુપુર ટંકશાલ, રાયપુર, પાલડી, મણીનગર, સેટેલાઇટ, એસજી હાઇ વે સહિતના વિસ્તારોમાં બુધવાર રાત્રે 9 વાગ્યા સુધી પતંગ-ફિરકીની છેલ્લી ઘડીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. સરકારની ગાઈડલાઈન મુજબ ઉતરાયણ (uttarayan) નો તહેવાર ઉજવવામાં લોકોને જ કોઈ રસ રહ્યો નથી. કોરોના મહામારીને કારણે લોકડાઉન જાહેર થતા બધા જ તહેવાર કોરોનાની ઝપટમાં આવી ગયા છે. ત્યારે ગુજરાતીઓનો મનપસંદ તહેવાર પણ મંદીના માહોલમાં ગરકાવ થઈ ગયો છે. પોલીસની ડ્રોન વચ્ચે આજે આકાશમાં પતંગ ઉડશે. સોશિયલ ડિસ્ટન્સ અને પરિવારના સભ્યો સિવાય સમુહ એકઠા થવા પર પ્રતિબંધના લીધે ગ્રૂપમાં પતંગોત્સવ માણવા ઇચ્છુક યુવા વર્ગમાં નિરાશા જોવા મળી રહી છે.અમદાવાદમાં ઉત્તરાયણ જેટલું જ મહત્ત્વ વાસી ઉત્તરાયણનું હોય છે અને તેની પણ મંગળવારે ઉલ્લાસપૂર્વક ઉજવણી થશે. આમ,ભાગદોડ-તણાવભર્યા જીવન વચ્ચે આગામી બે દિવસ રણમાં મીઠી વીરડી સમાન રહેશે.
આ પણ વાંચો : ગુજરાતીઓ આજે ધાબા પર હોય છે, ત્યારે આ શહેરના લોકો નથી ઉજવતા ઉત્તરાયણ
ગુજરાતમાં પહેલીવાર લોકો નિયમો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યાં છે. પતંગ રસિયાઓ વહેલી સવારથી પરિવાર સાથે ઉત્તરાયણ મનાવી રહ્યા છે. આ વખતે કોરોનાના કારણે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ લગાવાયો છે. જાહેર જગ્યાઓ પરથી પતંગ નહિ ચગાવી શકાય. જેથી ગત વર્ષની સરખામણીએ પતંગ રસીયાઓમાં ઓછી ઉત્સુકતા જોવા મળી છે. તો બીજી તરફ, સાનુકૂળ પવન ન હોવાથી કેટલાક પતંગરસિયા નિરાશ થયા છે. ધાબાઓ પર લોકો પતંગ ચગાવવા એકઠા તો થયા છે, પરંતુ પવન ઓછો હોવાથી પતંગ ચગાવવાની મજા ઓછી થઈ છે. પતંગ ચગાવવા સારા પવન માટે લોકો રાહ જોઈ રહ્યા છે. જોકે, બપોર સુધીમાં પવનની ગતિમાં સુધારો થઈ શકે તેવી શક્યતા છે. હવામાન વિભાગે સાનુકુળ પવનની આગાહી કરી હતી.
આ પણ વાંચો : ગરમાગરમ ઊંઘિયુ-જલેબીથી થઈ ઉત્તરાયણની સવાર, ખરીદવા લોકોની લાઈન લાગી
તો બીજી તરફ, અમદાવાદના પોળ વિસ્તારમાં પણ ઉત્તરાયણની મજા ફિક્કી છે. અનેક ધાબા પર પહેલાની જેમ રંગત જોવા નથી મળી. જૂજ અગાશીઓ પર લોકો દેખાઈ રહ્યા છે. પણ ટોળા જામેલા નથી. ચિચિયારીઓ સંભળાતી નથી. કોઈ શોરગૂલ નથી. ભૂંગળાનો અવાજ શાંત થયેલો છે. તો લાઉડ સ્પીકર પર પ્રતિબંધ હોવાથી તે અવાજ પણ નથી. આમ, ઉત્તરાયણની રંગત સાવ ફિક્કી છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉત્તરાયણની અનોખી ઉજવણી સુરતમાં જોવા મળી. જોકે, કોરોના મહામારીને કારણે સીઆર પાટીલ ઉત્તરાયણ પર્વ પર પતંગ નહીં ઉડાવે. સીઆર પાટીલે સુરતમાં સાદગીપૂર્વક ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. દોરીથી પક્ષીઓના મૃત્યુ થતા હોવાથી પતંગ નહિ ઉડાવવા નિર્ણય કર્યો હતો.
ગીર સોમનાથ મકરસંક્રાંતિ અને ઉતરાયણ પર્વ નિમિત્તે સોમનાથ મંદિર ખાતે સૂર્ય પૂજન, સૂર્યને અર્ઘ્ય સહિત પૂજા અને વિશેષ ગૌ પૂજન કરવામાં આવ્યું હતું. આમ સોમનાથમાં ઉત્તરાયણમાં જૂની પરંપરાઓને યથાવત રાખવામાં આવી હતી.