બુટલેગરોની બદનામ ગલીના કુખ્યાત નામદાનની કરમ કુંડળી, નિવૃત પોલીસ કર્મીનો પુત્ર કેવી રીતે બન્યો લિસ્ટેડ બુટલેગર
Gujarat Most Wanter Bootlegar : એક અકસ્માતના લીધે આવી ગયેલા ખર્ચાને પહોંચી વળવા માટે થઈને દારૂના ધંધામાં નાગદાન ગઢવી પ્રવેશ્યો હતો. જેના બાદથી તે ગુનાઓમાં ધકેલાતો ગયો અને આજે ગુજરાતનો નામચીન બુટલેગર બની ગયો
ઉદય રંજન/અમદાવાદ :ગુજરાત ભલે ડ્રાય સ્ટેટ કહેવાતું હોય, પરંતુ અહીં દારૂની ખેપ દિવસે ને દિવસે વધતી જાય છે. દારૂના વેચાણ અને વધતી જતી દારૂની ખેપને અટકાવવા માટે પોલીસ પગલાં ભરી રહી છે કે નહી તે બધાને પ્રશ્ન થઇ રહ્યો છે. ગુજરાતના કેમિકલ કાંડ બાદ હવે પોલીસે ગુજરાતીઓને દારૂ પીવડાવતા બુટલેગરો પર તવાઈ બોલાવી છે. અત્યાર સુધી હપ્તો ખાનારી પોલીસ હવે પગ નીચે રેલો આવતા બુટલેગરોને પકડવા નીકળી છે. ત્યારે બુટલેગરોની બદનામ ગલીમાં સૌથી વધુ ચર્ચાતુ નામ એટલે નાગદાન ગઢવી વિશે વાત કરીએ. જેની ગત મહિને જ સ્ટેટ મોનિટરીંગ સેલે ધરપકડ કરી હતી.
સ્ટેટ મોનીટરિંગ સેલે જુલાઈ મહિનાની શરૂઆતમાં વર્ષ 2017 થી પ્રોહીબિશનના ગુનાઓમાં વોન્ટેડ આરોપીની હરિયાણા ખાતેથી નાગદાન પ્રભુદાન ગઢવીની ધરપકડ કરી લીધી હતી. લિસ્ટેડ બુટલેગર નાગદાન ગઢવી પર 31 ગુનાઓ નોંધાયેલા છે, જેમાંથી 16 ગુનાઓમાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે અને મોટાભાગના પ્રોહીબિશનના ગુના ગુજરાતમાં આચરેલા છે. આરોપી નાગદાન ગઢવીની દારૂના ધંધામાં પ્રવેશની જો વાત કરવામાં આવે તો એક અકસ્માતના લીધે આવી ગયેલા ખર્ચાને પહોંચી વળવા માટે થઈને દારૂના ધંધામાં નાગદાન ગઢવી પ્રવેશ્યો હતો. જેના બાદથી તે ગુનાઓમાં ધકેલાતો ગયો અને આજે ગુજરાતનો નામચીન બુટલેગર બની ગયો છે.
સૌરાષ્ટ્રથી કચ્છ સુધી દારૂની હેરાફેરી કરતો હતો
મૂળ વઢવાણના સુરેન્દ્રનગર જિલ્લાનો રહેવાસી અને ધોરણ આઠ સુધીનો અભ્યાસ કર્યા બાદ નિવૃત પોલીસ કર્મચારીનો પુત્ર નાગદાન ગઢવી ટ્રક ડ્રાઇવર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. પરંતુ આ ટ્રક ડ્રાઇવિંગમાં એક દિવસ અકસ્માત નડી જતા નાગદાન ગઢવીના બંને પગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેની સારવાર માટે આર્થિક રીતે પહોંચી વળવા માટે થઈને નાગદાન ગઢવીએ દારૂની ખેપ મારવાની શરૂઆત કરી દીધી. ધીમે ધીમે વડોદરાના કુખ્યાત બુટલેગર વિનોદ સિંધી માટે નાગદાન ગઢવી કામ કરતો થઈ ગયો અને એક સમયે એવો આવ્યો કે નાગદાન ગઢવીએ સૌરાષ્ટ્રથી લઈને કચ્છ સુધી દારૂની હેરાફેરીમાં પોતાનો એક્કો જમાવી દીધો. સૌરાષ્ટ્ર પંથકનો એક પણ જિલ્લો બાકી નહીં હોય કે જેમાં નાગદાન ગઢવી દારૂની હેરાફેરી નહીં કરી હોય. ધીમે ધીમે એક બાદ એક 32 જેટલા પ્રોહિબિશનના ગુના તેના નામે નોંધાઈ ચૂક્યા છે. લિસ્ટેડ બુટલેગરની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હરિયાણામાંથી ધરપકડ કરાઈ ત્યારે દારૂનો ધંધો કરનારા બુટલેગરોમાં સ્ટેટ મોનીટરીંગનો ફફડાટ વ્યાપી ગયો હતો.
આ પણ વાંચો : સવા લાખ ચિંતામણી શિવલિંગ બનાવીને પૂજા કરતુ ગુજરાતનું એકમાત્ર મંદિર, પાર્વતીજીએ શિવજીને પ્રસન્ન કરવા કરી હતી આ પૂજા
મોસ્ટ વોન્ટેડ બુટલેગર ઝડપાયો કેવી રીતે
સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિયુક્ત થયેલા બે સિનિયર અધિકારીઓના સ્ટ્રોંગ બાદમીદારોના નેટવર્કના લીધે ગુજરાત પોલીસના ચોપડે છેલ્લા પાંચ વર્ષથી વોન્ટેડ એવો આરોપી નાગદાન ગઢવી હરિયાણાના ગુરુગ્રામ રાજ્યમાંથી ઝડપાયો હતો. એક તરફ ગુજરાતની અંદર સ્ટેટ મોનિટરિંગ સેલમાં કડક છાપ ધરાવતા એક એસપી કક્ષાના અધિકારી અને સ્ટ્રોંગ બાતમીદારોનું નેટવર્ક ધરાવનરા એક ડીવાયએસપી કક્ષાના અધિકારીની નિમણૂક બાદ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ચલાવનારા ગુનેગારોની અંદર ફફડાટ જોવા મળી રહ્યો છે. ઉપરાંત ગુજરાતની અંદર એવા કેટલાક લિસ્ટેડ બુટલેગરો છે કે આ બંને અધિકારીઓની સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિમણૂક થતાની સાથે જ તેમણે પોતાનો ધંધો પણ બદલી નાંખ્યો હોવાનું સંભળાઈ રહ્યું છે. તે જ રીતે નાગદાન ગઢવી પણ છેલ્લા પાંચ મહિનાથી ધંધો બંધ કરીને હરિયાણા ખાતે પોતાના હૃદયની સારવાર કરાવી રહ્યો હતો અને તેવા જ સમયે તેણે મોનિટરિંગ સેલના આ અધિકારીઓને મળેલી બાતમીના આધારે સતત બે દિવસ સુધી ઓપરેશન હાથ ધરીને નાગદાન ગઢવીને હરિયાણાના ગુરુગ્રામ રાજ્યમાંથી તેના મકાનમાંથી જ તબોચી લેવામાં આવ્યો હતો.