ગુજરાત : ગુજરાતની બાહોશ મહિલાને ગઈકાલે પદ્મશ્રી જેવા સન્માનની જાહેરાત થઈ છે. મુક્તાબેન ડગલી એવી વ્યક્તિ છે, જેમની છત્રછાયા નીચે આજે હજ્જારો પ્રજ્ઞાચક્ષુ યુવતીઓનું જીવન બનાવ્યું છે. મુક્તાબેન એવી શખ્સિસયત છે, જેમનામાંથી કંઈક પ્રેરણા મળે છે, જાણવા શીખવા મળે છે. અંધ લોકો પ્રત્યેનું તેમનું સમર્પણ અદભૂત છે, પણ તેણે પોતાનું જીવન લોકો માટે સમર્પિત કર્યું છે. લોકો તેમને દીદીના હુલામણા નામથી ઓળખે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુક્તાબેન ડગલી છેલ્લા ઘણા વર્ષોથી અંધ બહેનોને સંસ્થામાં આશ્રય આપી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. તેઓ મૂળ અમરેલીના નાના આંકડિયાના વતની છે. પહેલા તેઓ અમરેલીની અંધશાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ બાદમાં તેમણે સુરેન્દ્રનગરમાં પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની સંસ્થા શરૂ કરી. મુક્તાબેન અને તેમના પતિ પંકજભાઈ ડગલી બંને પ્રજ્ઞાચક્ષુ છે. મુક્તાબેનના જીવનનું દુખદ પાસુ એ હતું કે, તેઓ જન્મ્યા ત્યારે જોઈ શક્તી આંખ સાથે પેદા થયા
હતા. સાત વર્ષની ઉંમરમાં એક બીમારીને કારણે તેમને આંખ ગુમાવવી પડી હતી. ત્યાર બાદ તેમને આંખે અંધાપો આવ્યો હતો. આ જાણીને તેમના માતાપિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તેમના માતાપિતા આખા ભારતમાં દવા માટે ખુંદી વળ્યા હતા, પણ ક્યાંય દીકરીને આંખો મળી ન હતી. 


મુક્તાબેનની ભાવના પહેલેથી જ અંધ બહેનો માટે કંઈક કરવાની હતી. તેઓ કહે છે કે, મારી સંસ્થામાં આવનાર દરેક બહેનને આવકાર જ મળવો જોઈએ, તેને ક્યારેય જાકારો ન મળવો જોઈએ, તેવી સંસ્થા ઉભી કરવાનો મારો હેતુ હતો. 


ચાર અંધ બહેનો માટે મુક્તાબહેન ડગલી અને તેમના પતિ પંકજભાઈ ડગલીએ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ માટે ‘પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ’ નામની સંસ્થાની સ્થાપના 1996માં કરી હતી. ત્યારથી અવિરતપણે આ સંસ્થા અંધ બહેનોની વ્હારે આવી છે. તેમણે અત્યાર સુધી 1510થી વધુ અંધ યુવતીઓને સ્વનિર્ભર બનાવીને તેમના લગ્ન કરાવવાની જવાબદારી લીધી છે. બીજી તરફ કહી શકાય કે, મુક્તાબેન અને તેમના પતિ પંકજભાઈ ડગલી અંધ યુવતીઓના જીવનમાં ઉજાશની આંખો પાથરે છે.