જાણો ગુજરાતને મળેલી વેક્સીનની તમામ માહિતી, એક્સપાયરી તારીખથી લઈને ઘણું બધું...
- આ તમામ વેક્સીન 3 નવેમ્બર, 2020 ના રોજ બની છે. તેની એક્સપાયરી ડેટ 1 મે, 2021 છે.
- એક્સપાયરી ડેટ પહેલા ત્રણ મહિનામા જ તમામ વેક્સીનનો ઉપયોગ કરી લેવાનો રહેશે
- 1 લાખ 20 હજાર ડોઝ અમદાવાદ સિવિલમાં અને 96 હજાર ડોઝ ગાંધીનગર સિવિલ પહોંચાડાયો
આશ્કા જાની/અમદાવાદ :ગુજરાતમાં કોરોના રસીના પહેલા જથ્થાનું સ્વાગત કરાયું છે. ડેપ્યુટી સીએમ, ગૃહરાજ્ય મંત્રી, આરોગ્ય સચિવે રસીને આવકારી છે. 2.76 લાખ રસી (corona vaccine) નો જથ્થો ગુજરાત માટે મોકલવામાં આવ્યો છે. ત્યારે 1 લાખ 20 હજાર ડોઝ અમદાવાદ સિવિલમાં અને 96 હજાર ડોઝ ગાંધીનગર સિવિલ પહોંચાડાયો છે. હાલ કોલ્ડ સ્ટોરેજમાં રસી રાખવામાં આવી છે. રસી આપવાની શરૂઆત ઉત્તરાયણ બાદ તરત શરૂ થશે. પરંતુ તે પહેલા કેવી છે સિરમ ઈન્સ્ટિટ્યૂટે મોકલેલી રસી.
કોરોના વેકસીનનો જથ્થો અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયો છે. હાલ વેક્સીનને હોસ્પિટલના સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવી છે. 23 બોક્સમાંથી 10 બોક્સ સિવિલ હોસ્પિટલમાં રહેશે. સિવિલ ખાતે રિજયોનલ વેકસીન સ્ટોર સિવિલ ખાતે બનાવવામાં આવ્યો છે. અમદાવાદ સિવિલ ખાતે લાવવામાં આવેલા 10 વેક્સીન બોક્સમાં 1.20 લાખ રસીના યુનિટ છે. જેમાંથી અમદાવાદ શહેર, ગ્રામ્ય, સુરેન્દ્રનગર, ખેડા અને આણંદ ખાતે વેક્સીનનો જથ્થો સપ્લાય કરવામાં આવશે. આજે ગુજરાતને મળેલી વેક્સીનની ખાસ વાત એ છે કે, આ તમામ વેક્સીન 3 નવેમ્બર, 2020 ના રોજ બની છે. તેની એક્સપાયરી ડેટ 1 મે, 2021 છે. એટલે કે, ત્રણ મહિનામા જ તમામ વેક્સીનો ઉપયોગ કરી લેવાનો રહેશે. વેક્સિનને કોલ્ડ સ્ટોરેજના 2 થી 8 ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવશે.
આ પણ વાંચો : નવી વહુના વધામણા જેવી ધામધૂમથી ગુજરાતમાં વેક્સીનનું સ્વાગત કરાયું
વેક્સીનના બોક્સની ઉપર કેટલીક માહિતી આપવામાં આવી છે. જેમાં વેક્સીનને લઈને તમામ માહિતી ઉપલબ્ધ છે. જેમાં વેક્સીન કેવી રીતે સાચવવી, કેટલા તાપમાનમાં સાચવવી વગેરે જેવી માહિતી આપવામાં આવી છે. સાથે જ, જો વીજળી જતી રહે તો વેક્સીનને કેવી રીતે સાચવવી અને કેવી રીતે તાત્કાલિક ટ્રાન્સફર કરવી તે માહિતી પણ તેના પર લખેલી છે.
હાલ અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે રસી પહોંચી છે. જેમાં 60 હજાર ડોઝ ભાવનગર વિસ્તારમાં મોકલાશે. જોકે, મોટર માર્ગે આવતીકાલે વધુ રસીનો જથ્થો આવશે. જે સુરત, વડોદરા, રાજકોટ માટે આવતીકાલે પૂણેથી રસી આવશે. 93,500 ડોઝ વેક્સીનનો જથ્થો સુરતમાં આજે અથવા કાલે પહોંચશે. તો 94,500 ડોઝ રસી આવતીકાલે વડોદરા પહોંચશે. 77 હજાર કોરોના રસીનો ડોઝ આવતીકાલે રાજકોટ પહોંચશે.
આ પણ વાંચો : 12 Photos માં જુઓ વેક્સીનને એરપોર્ટથી કેવી રીતે સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડાઈ
વડોદરામાં આજે અથવા આવતીકાલે રસી પહોંચશે
વડોદરા ઝોનને 94,500 વેકસીન ડોઝ ફાળવણી કરવામાં આવી છે. કોવિડ વેકસીન વડોદરામાં આજે અથવા આવતીકાલે પહોંચી શકે છે. પૂણેથી બાય એર આવે તો આજે અને બાય રોડ આવે તો આવતીકાલે વેકસીન વડોદરા પહોંચશે. વડોદરા કોર્પોરેશન અને 7 જિલ્લાને વેક્સીન ફાળવવામાં આવનાર છે. જેના માટે વડોદરા રિજનલ સ્ટોરેજ ખાતે કોવિશિલ્ડ વેક્સીન પહોંચશે. કોર્પોરેશનને 16400 ડોઝ, વડોદરાને 10,438, નર્મદાને 4215, છોટા ઉદેપુર 5879, ભરૂચને 10119, દાહોદને 12619, મહીસાગરને 6730 અને પંચમહાલને 8419 ડોઝ મોકલાશે. વડોદરા ઝોન પાસે 14 લાખ 50 હજાર ડોઝ રાખવાની કેપેસિટી છે. આઈ.એલ.આર રેફ્રિજરેટરમાં રસી રાખવામાં આવશે. 11 આઈ.એલ.આર રેફ્રિજરેટરમાં વેક્સીનના ડોઝ મૂકવામાં આવશે. 25 આઈ.એલ.આર માંથી 23 રેફ્રિજરેટર 7 જિલ્લામાં મોકલાયા છે. વેક્સીન આવતા જતા સુરક્ષા માટે પોલીસનું વાહન પાયલોટિંગમાં રહેશે. રિજનલ સ્ટોરેજ ખાતે 2 હથિયારધારી પોલીસ કર્મી 24 કલાક હાજર રહેશે. દરેક જિલ્લામાંથી ફાર્મસીસ સાથે 3 નો સ્ટાફ વેક્સીન લેવા રિજનલ ઓફિસ પહોંચશે.
રાજકોટમાં પણ આવતીકાલે રસી પહોંચશે
વેક્સીન આવતીકાલ સવાર સુધીમાં રાજકોટ આવી પહોંચશે. સૌરાષ્ટ્રમાં કોરોનાની વેક્સિન જ્યાં રાખવામાં આવશે તે રિજિયોનલ રૂમમાં આવતીકાલે સૌરાષ્ટ્ર ઝોન માટે કોવિશિલ્ડના 77 હજાર ડોઝની ફાળવણી કરવામાં આવશે. જ્યાં વેક્સિન સ્ટોરેજ રાખવામાં આવ્યું છે તે જગ્યાને પ્રતિબંધિત જગ્યા જાહેર કરવામાં આવી છે. વેક્સિનનો જથ્થો રાજકોટ પહોચ્યા બાદ વેક્સિનના જથ્થાને અલગ અલગ જિલ્લાને વહેંચી દેવામાં આવશે. સવારે એરપોર્ટથી વેકસીન સ્ટોર સુધી પોલીસ બંદોબસ્ત સાથે વેકસીનને પહોંચાડવામાં આવશે. આવતીકાલે મુંબઇથી વેકસીનનો જથ્થો રાજકોટ આવશે. રાજકોટથી કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે અને તમામ જિલ્લા મથકોએ રાખવામાં આવશે. જે તે જિલ્લા મથકથી નગરપાલિકા વિસ્તારમાં પહોંચાડવાની જવાબદારી સંબંધિત જિલ્લા આરોગ્ય અધિકારીઓ અને કલેકટરોને સોંપવામાં આવી છે.