અમદાવાદ: જ્યારે પણ ગામડાની વાત આવે ત્યારે આપણા મન પર એક ચોક્કસ તસવીર ઉઠતી હોય છે. જેમાં ધૂળીયા રસ્તા હોય, ઘોડા ઘાડી, કાચા પાકા રસ્તા અને મકાન હોય, ખેતરો હોય. પરંતુ જો તમને કોઈ એવું કહે કે એક ગામ એવું પણ છે જ્યાં કાચા રસ્તાની જગ્યાએ પાકા અને સ્વચ્છ રસ્તાઓ છે, રસ્તાઓ પર મર્સિડિઝ અને બીએમડબલ્યુ જેવી ગાડીઓ દોડે છે. ગામડામાં મેકડોનાલ્ડ જેવી રેસ્ટોરા પણ છે તો તમે શું માનશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 


આપણા ભારતમાં આવું જ એક ગામ છે. રસપ્રદ વાત એ છે કે આવું સમૃદ્ધ અને અત્યંત પૈસાવાળુ ગામ આપણા ગુજરાતમાં જ છે. ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલું ધર્મજ ગામ આ બાબતે ખુબ પ્રખ્યાત છે. અહીંના લોકોની સમૃદ્ધિ તમને ચારેબાજુ નજરે ચડશે. ગામના લોકો શહેરી અને ગ્રામીણ એમ બંને પ્રકારનું જીવન જીવે છે. 



ધર્મજ ગામને એનઆરઆઈ ગામ પણ કહે છે. અહીંના દરેક ઘરમાંથી એક વ્યક્તિ વિદેશમાં કામ ધંધો કરે છે. અહીં લગભગ દરેક પરિવારમાં એક ભાઈ ગામમાં રહીને ખેતી કરે છે. જ્યારે બીજો ભાઈ વિદેશ જઈને પૈસા કમાય છે. એવું કહેવાય છે કે દરેક દેશમાં તમને ધર્મજની વ્યક્તિ જરૂર જોવા મળશે. દેશનું કદાચ આ પહેલું ગામ હશે જેના ઈતિહાસ, વર્તમાન અને ભૂગોળને વ્યક્ત કરતી એક કોફી ટેબલબુક પણ પ્રકાશિત થઈ છે. 



આ ગામની પોતાની વેબસાઈટ પણ છે. અરે...પોતાનું એક ગીત પણ છે. ગામવાળા કહે છે કે બ્રિટનમાં તેમના ગામના ઓછામાં ઓછા 1500 પરિવાર, કેનેડામાં 200 અને અમેરિકામાં 300થી વધુ પરિવાર રહે છે. હિસાબ કિતાબ રાખવા માટે કાયદેસર એક ડિરેક્ટરી પણ બનાવવામાં આવે છે. જેમાં કોણ ક્યારે અને ક્યાં વિદેશ જઈને વસ્યા તેની સંપૂર્ણ વિગતો છે. 



ગામમાં ડઝન જેટલી પ્રાઈવેટ બેંક અને ખાનગી શાળા
ગામની સમૃદ્ધિનો આલમ એ છે કે અહીં ડઝનથી વધુ પ્રાઈવેટ અને સરકારી બેંકો છે. જેમાં ગ્રામીણોના નામે જ એક હજાર કરોડથી વધુ રકમ જમા છે. ગામમાં મેકડોનાલ્ડ જેવા પિઝા પાર્લર છે અને અનેક પ્રખ્યાત રેસ્ટોરાની ફ્રેન્ચાઈઝી પણ છે. આ ઉપરાંત આયુર્વેદિક હોસ્પિટલથી લઈને સુપર સ્પેશિયાલીટીવાળી હોસ્પિટલ પણ છે. 



લગભગ 12 હજારની વસ્તીવાળા આ ગામમાં સરકાર દ્વારા ચાલતી શાળા છે તો જાણીતી રેસિડેન્શિયલ શાળા પણ છે. ગામમાં જૂની શૈલીના મકાન પણ છે અને હાઈટેક ટેક્નોલોજીથી બનેલા બિલ્ડિંગ પણ છે. ગામમાં એક શાનદાર સ્વિમિંગ પૂલ પણ છે. ગામમાં મોટાભાગે પાટીદાર લોકો રહે છે. આ ઉપરાંત વાણીયા, બ્રાહ્મણ અને દલિત જાતિના લોકો પણ છે. 



ધર્મજ ગામની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમની સમૃદ્ધિ. તેનાથી પણ મોટી વાત એ છે કે તેમની આ સમૃદ્ધિ કોઈ પણ સરકારી મદદ વગર છે. વિદેશમાં વસતા ધર્મજના લોકો પોતાના ગામના વિકાસ માટે હ્રદય ખોલીને પૈસા મોકલે છે. તેની અસર ગામના માહોલ ઉપર જોવા મળે છે. ગામના મોટાભાગના રસ્તા અને શેરીઓ પાક્કા છે. કેટલાક વિસ્તારો જોઈને તો તેમને લાગશે કે આ ગામ છે કે શહેર, બિલકુલ વિદેશી લૂક અપાયો છે. 



ગામમાં દર વર્ષે 12 જાન્યુઆરીએ ધર્મજ ડે તરીકે ઉજવણી થાય છે. જેમાં સામેલ થવા માટે દુનિયાના ખુણે ખુણેથી એનઆરઆઈ લોકો પરિવાર સાથે આવે છે. મહિનાઓ સુધી રહે છે અને મોજમસ્તી કરે છે. બાળકોને અહીંની સંસ્કૃતિથી અવગત કરાવે છે. હાલ આ આ ગામમાં ધર્મજ ડેની તૈયારીઓ થઈ રહી છે. 



 



 



(તસવીરો સાભાર- માયધર્મજ ડોટ કોમ)