વિનાશ વેર્યા બાદ જાણો ગુજરાતમાંથી ક્યારે વિદાય લેશે તૌકતે વાવાઝોડું...
- વાવાઝોડું પાટણ શહેરની મધ્યમાં થઇને ગુજરાતના છેક છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લા સુધી જશે
- બનાસકાંઠા સુધીના 450 કિલોમીટરના પટ્ટા પરથી પસાર થનારું વાવાઝોડું આસપાસના 100 કિલોમીટરના ઘેરાવામાં અસર કરી શકે છે
- વાવાઝોડાનું કેન્દ્રબિંદુ એટલે કે 'આઈ' આસપાસનો કિલોમીટરનો વિસ્તાર મળી કુલ 40 કિમીના વિસ્તારમાં અત્યંત જોખમી સ્થિતિ સર્જાઈ છે
ઝી મીડિયા/બ્યૂરો :તૌકતે વાવાઝોડાએ ધારણા કરતા વધુ તબાહી સર્જી છે. માત્ર સૌરાષ્ટ્રના જ જિલ્લાઓ નહિ, પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની અસર દેખાઈ છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. મકાનોની છત અને પતરા ઉડી ગયા છે. વીજ પોલ તૂટી પડ્યા છે. તો વાહનોને નુકસાન પહોંચ્યું છે. સંખ્યાબંધ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયાં છે. વાહનોનો કચ્ચરધાણ નીકળી ગયો છે. ગઈકાલથી ગુજરાતીઓના માથા પર મંડરાઈ રહેલો આ ખતરો હવે ક્યારે જશે તેવુ લોકો વિચારી રહ્યાં છે.
ત્યારે તમને જણાવી દઈએ કે, આજે મંગળવારે સાંજ સુધીમાં આ સંકટ દૂર થઈ જશે. સૌરાષ્ટ્રથી શરૂ કરી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તબાહી મચાવીને વાવાઝોડું (gujratcyclone) રાજસ્થાનમાં પ્રવેશ કરશે.
આ પણ વાંચો : વેરાવળના કાંઠે લાંગરેલી 5 બોટને ગાંડોતૂર બનેલો દરિયો ખેંચીને લઈ ગયો, ફસાયા 8 લોકો
આજે રાત્રે બનાસકાંઠા થઈને રાજસ્થાનમાં જશે વાવાઝોડું
હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ મુજબ, વાવાઝોડું નબળુ પડી રહ્યું છે. હાલ 105 કિમી પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે. જેમ જેમ વાવાઝોડું (Cyclone Tauktae) આગળ વધી રહ્યુ છે તેમ તેમ તે નબળુ પડી રહ્યુ છે. વાવાઝોડું પાટણ શહેરની મધ્યમાં થઇને ગુજરાતના છેક છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લા સુધી જશે. બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે બપોરે પ્રવેશ કરશે. તેમજ રાત્રીના 11 થી 12 કલાકની વચ્ચે રાજસ્થાનમાં પ્રવેશ કરશે. એટલે કે આજે રાત્રે ગુજરાત પરથી આ સંકટ દૂર થશે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગર તરફ વળ્યું વાવાઝોડું, હાલ તોફાન પ્રતિ કલાક 13 કિમીની સ્પીડે આગળ વધી રહ્યુ છે
રાત્રે વાવાઝોડાની અસર ઓછી થઈ જશે
બનાસકાંઠા સુધીના 450 કિલોમીટરના પટ્ટા પરથી પસાર થનારું વાવાઝોડું આસપાસના 100 કિલોમીટરના ઘેરાવામાં અસર કરી શકે છે. બનાસકાંઠા અને પાટણના વિસ્તારોમાં અસર ઓછી થશે. ગઇકાલના ફોરકાસ્ટ પ્રમાણે અસર થવાની સંભાવના હતી. પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે. એટલે બનાસકાંઠા અને પાટણ અને ઓછું અસર કરશે.
કયા કયા જિલ્લામાંથી પસાર થશે વાવાઝોડું
વાવાઝોડું ગુજરાતમાં અંદાજે 450 કિલોમીટરના પટ્ટામાંથી પસાર થશે. વાવાઝોડાની અસરનો ઘેરાવો 100 કિલોમીટર જેટલો રહેશે. વાવાઝોડું ગીર-સોમનાથ જિલ્લાથી ગુજરાતમાં પ્રવેશ્યા પછી જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, પોરબંદર ઉપરાંત અમુક અંશે ભરૂચ, અમદાવાદ અને આણંદ જિલ્લામાં અસર કરી બનાસકાંઠા થઈને આજે રાત્રે રાજસ્થાનમાં પ્રવેશી જશે એવી શક્યતા છે.
આ પણ વાંચો : તૌકતેએ સૌથી વધુ તબાહી દીવમાં સર્જી, 130 કિમીની સ્પીડે ફૂંકાયેલા પવને બધુ વેરવિખેર કર્યું
વાવાઝોડાની આઈ પાસેનો 40 કિમી વિસ્તાર જોખમી બની જાય છે
વાવાઝોડાનું કેન્દ્રબિંદુ એટલે કે 'આઈ' 35 કિલોમીટર આસપાસનો ઘેરાવો ધરાવે છે. આઈ આસપાસનો કિલોમીટરનો વિસ્તાર મળી કુલ 40 કિમીના વિસ્તારમાં અત્યંત જોખમી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે 50 અને 100 કિમીના બફર ઝોનમાં અસર થવાની શક્યતા છે.