વડોદરા : મોટો ટ્રેન અકસ્માત થતા રહી ગયો, કોટા પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતર્યાં
વડોદરા રેલવે સ્ટેશન ખાતે મોડી રાત્રે કોટા પેસેન્જર ટ્રેનના બે ડબ્બા યાર્ડમાં જતી વખતે પાટા પરથી ઉતરી પડતાં મોટી દુર્ઘટના સર્જાતી રહી ગઈ હતી. જોકે સદનસીબે આ ટ્રેનમાં મુસાફરો નહિ હોવાને કારણે કોઈ જાનહાનિનો બનાવ સામે આવ્યો નથી. ડબ્બા ખડી પડવાની ઘટનાને પગલે રેલવે વિભાગના અધિકારીઓ પ્લેટફોર્મ પર દોડી આવ્યા હતા અને ટ્રેક પરના ડબ્બા હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
તૃષાર પટેલ/વડોદરા : વડોદરા રેલવે સ્ટેશન ખાતે મોડી રાત્રે કોટા પેસેન્જર ટ્રેનના બે ડબ્બા યાર્ડમાં જતી વખતે પાટા પરથી ઉતરી પડતાં મોટી દુર્ઘટના સર્જાતી રહી ગઈ હતી. જોકે સદનસીબે આ ટ્રેનમાં મુસાફરો નહિ હોવાને કારણે કોઈ જાનહાનિનો બનાવ સામે આવ્યો નથી. ડબ્બા ખડી પડવાની ઘટનાને પગલે રેલવે વિભાગના અધિકારીઓ પ્લેટફોર્મ પર દોડી આવ્યા હતા અને ટ્રેક પરના ડબ્બા હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
વડોદરા રેલવે સ્ટેશન ઉપર રાત્રે અઢી વાગે વડોદરા કોટા ટ્રેનના બે ડબ્બા યાર્ડમાં જતી વખતે પાટા પરથી ખડી પડ્યા હતા. છ નંબરના પ્લેટફોર્મ ઉપરથી યાર્ડમાં જતી આ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી નીચે ઉતરી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. જોકે આ ટ્રેન યાર્ડમાં જતી હોવાથી પેસેન્જર-રહિત હતી. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આજે સવારે સાડા સાત કલાકે વડોદરાથી કોટા જવા માટે નીકળનારી આ ટ્રેનના બે ડબ્બા ખડી પડતા ટ્રેન રદ કરી દેવામાં આવી હતી.
આ ઘટનાના પગલે ડીઆરએમ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રેક કરીને ડબ્બાને ફરી પાટા ઉપર ચડાવવામાં આવ્યા હતા. ડબ્બા જ્યાં ખડી પડ્યા હતા, તે જગ્યાએ અન્ય ટ્રેનો પણ પસાર થવાની હતી. જોકે સાવચેતી રાખવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ આખી ઘટના યાંત્રિક ખામી છે અથવા તો માનવસર્જિત હતી તેની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ડીઆરએમ દ્વારા આ તપાસનો આદેશ કરવામાં આવ્યો છે અને સમગ્ર ઘટનાની ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. હાલ તો યુદ્ધના ધોરણે ટ્રેકની મરામત કરીને બંને બોગીને ત્યાંથી ખસેડી લેવામાં આવી છે.