સરકાર સાથે બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજ અડગ, કહ્યું- રૂપાલાને હટાવો, સમાધાન નહીં થાય
રાજકોટથી ભાજપના લોકસભાના ઉમેદવાર પુરૂશોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. રૂપાલાના વિવાદ બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજે તેમની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી હતી.
ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા શરૂ થયેલા ક્ષત્રિય સમાજના વિવાદનો આજે સુખદ અંત આવી ગયો છે. આ વિવાદનો અંત આવે તે માટે ગાંધીનગરમાં મોડી રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ્થાને મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં સીઆર પાટીલ, હર્ષ સંઘવી સહિત ક્ષત્રિય સંકલન સમિતિના 15 સભ્યો હાજર રહ્યાં હતા. મોડી રાત્રે બે કલાક સુધી આ બેઠક ચાલી હતી. આ બેઠકમાં પણ વિવાદનો અંત આવ્યો નથી.
બેઠક બાદ સામે આવ્યું નિવેદન
ક્ષત્રિય સમાજ સંકલન સમિતિએ મુખ્યમંત્રી, સીઆર પાટીલ અને હર્ષ સંઘવી સાથે બેઠક બાદ કહ્યું કે અમે મુખ્યમંત્રી સાથે રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી છે. સમગ્ર સમાજની આ એક જ માંગ છે, જેને અમે સીઆર પાટીલ, મુખ્યમંત્રી સમક્ષ જણાવી દીધી છે. તેમણે અમને એક-બે દિવસમાં સમાધાન લાવવાની હૈયાધારણા આપી છે. સંકલન સમિતિએ બેઠક બાદ કહ્યું કે, કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી અને સમાધાન થશે પણ નહીં.
સંકલન સમિતિના સભ્યોએ કહ્યું કે- અમારી માંગ માત્ર રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની છે. તે સિવાય કોઈ વાત ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે આંદોલન પાર્ટ-2 ચાલુ રહેશે અને અમે આંદોલન કરીશું. સંકલન સમિતિના સભ્યએ કહ્યું કે, અમે શાંતિથી વિરોધ કરીશું. વધુમાં જણાવ્યું કે, ભાજપની સભામાં વિરોધ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આગળ શું કરવું તે અંગે સંકલન સમિતિની બેઠક યોજવામાં આવશે.
બેઠકની સામે આવેલી વિગત પ્રમાણે સરકારે કહ્યું કે, રૂપાલાએ બે વખત માફી માંગી છે. બીજો કોઈ રસ્તો કરો. પરંતુ સંકલન સમિતિએ કહ્યું કે- અમારી એક જ માંગ છે કે રાજકોટથી રૂપાલાની ટિકિટ રદ્દ થાય. બીજીતરફ મળતી માહિતી પ્રમાણે સરકાર બે દિવસમાં સંકલન સમિતિ સાથે બીજી બેઠક કરી શકે છે. સરકારે સંકલન સમિતિને ભોજન માટે પણ આમંત્રણ આપ્યું છે.
સીઆર પાટિલ, હર્ષ સંઘવી રહ્યાં હાજર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ્થાને યોજાયેલી મહત્વની બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યાં હતા. આ સિવાય ભાજપના ક્ષત્રિય આગેવાનો પ્રદીપસિંહ જાડેજા અને કિરીટસિંહ રાણા પણ હાજર રહ્યાં હતા.
અમદાવાદમાં મળી હતી સંકલન સમિતિની બેઠક
ક્ષત્રિય સમાજના આંદોલન માટે બનાવવામાં આવેલી સંકલન સમિતિની બેઠક અમદાવાદમાં મળી હતી. આ બેઠકમાં ચર્ચા કરાયા બાદ ક્ષત્રિય સમાજના આગેવાનો સરકાર સાથે બેઠક કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. સરકાર સાથે ચર્ચા કરવા માટે ક્ષત્રિય સમાજના અશ્વિન સરવૈયા, , પીટી જાડેજા, કરણસિંહ ચાવડા, અનિરૂદ્ધ સિંહ રીબડા સહિત કુલ 15 સભ્યો બેઠકમાં હાજર રહ્યાં હતા. આ બેઠકમાં બે મહિલાઓ પણ હાજર રહ્યાં હતા.
આ મુદ્દાથી શરૂ થયો હતો વિવાદ
રૂપાલાએ થોડા દિવસ પહેલાં એક સભામાં કહ્યું હતું કે બ્રિટિશ શાસન દરમિયાન રાજાઓ અને મહારાજાઓએ પોતાનું માથું ઝુકાવી દીધું હતું અને તેમની સાથે રોટી-બેટીનો સંબંધ બનાવી લીધો હતો, પરંતુ દલિત સમાજથી આવનારા રુખી સમાજે પોતાનું માથું નહોતું નમાવ્યું. એટલા માટે તેમને હું સલામ કરું છું અને આ જ વાત હતી, જેણે સનાતન ધર્મને જીવિત રાખ્યો… જય ભીમ... રૂપાલાના આ નિવેદન બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. રૂપાલા 3 વાર માફી માગી ચૂક્યા છે પણ ક્ષત્રિય સમાજ તેમની ટિકિટ કાપવાની વાત પર અડગ રહ્યો હતા.