Loksabha Election 2024: એક બાજુ રાજકોટથી રૂપાલાએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. તો બીજી તરફ ક્ષત્રિય સમાજ પણ ઝૂકવા તૈયાર હોય તેમ લાગતું નથી. ઝોન પ્રમાણે ક્ષત્રિયોએ સંમેલનો શરૂ કર્યા છે. ધંધુકામાં વિશાળા સંમેલન બાદ ઉત્તર ગુજરાતનું સંમેલન પાટણમાં યોજાયું હતું. જેમાં રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માગણી કરાઈ હતી. તો જામસાહેબે રૂપાલાને માફ કરવા માટે લખેલા પત્ર પર પણ ક્ષત્રિયોમાં આક્રોશ જોવા મળ્યો.


  • રૂપાલા સામે ક્ષત્રિયોનો આક્રોશ યથાવત્

  • ધંધુકા પછી પાટણમાં મળ્યું વિશાલ સંમેલન 

  • રાજવીઓ સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉમટ્યા

  • રૂપાલાની ટિકિટ રદ કરવા ફરી ઉઠાવાયો અવાજ 

  • જામ સાહેબના પત્રનો પણ કરાયો ખુલ્લીને વિરોધ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટણના વાળીનાથ ચોક પર આવેલા રાજપૂત છાત્રાલય ખાતે ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયુ હતું. આ સંમેલનમાં બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાના મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનને સંબોધતા ક્ષત્રિય આગેવાનોએ ફરી એકવાર માગ કરી કે જો ભાજપ હાઈકમાન્ડ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો અમારું આંદોલન ચાલુ રહેશે. જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેવું પડશે તેવી ચીમકી આપવામાં આવી હતી.


રાજકોટમાં ક્ષત્રિય સમાજે 14 એપ્રિલે એક વિશાળ સંમેલન બોલાવ્યું છે. જેમાં સમગ્ર રાજ્યના ક્ષત્રિયો ઉપસ્થિત રહેશે તેવો દાવો કરવામાં આવ્યો છે. એક તરફ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરાવવા માટે મક્કમ છે. બીજી તરફ રાજવીઓ રૂપાલાને માફ કરવા માટે ક્ષત્રિય સમાજને વિનંતીઓ કરી રહ્યા છે. 10 એપ્રિલે જ જામનગરના રાજવી જામસાહેબે એક પત્ર લખીને રૂપાલાને માફ કરવા માટે અપીલ કરી હતી. જામસાહેબની આ અપીલ પર ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાએ પોતાનો આકરો વિરોધ નોંધાવ્યો છે. જામસાહેબ પર પ્રહાર કરતા પી.ટી.જાડેજાએ જણાવ્યું કે જામસાહેબ તમારા દિલના દરબારા બેન-દીકરીઓ માટે જામ થઈ ગયા છે?.


  • ક્ષત્રિયોમાં આક્રોશની આગ યથાવત્

  • રૂપાલાની ટિકિટ રદ કરવા મક્કમ ક્ષત્રિયો 

  • જામસાહેબનું પણ માન નહીં રાખે રાજપૂતો!

  • જામસાહેબ પર આ શું બોલી ગયા પી.ટી.જાડેજા?

  • તૃપ્તિબાએ મોદી-શાહને શું કરી મોટી અપીલ?

  • જો રૂપાલાએ ફોર્મ ભર્યું તો શું થશે?


ક્ષત્રિય સમાજના મહિલા આગેવાનોએ પણ રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે ભાજપના હાઈકમાન્ડને વિનંતી કરી છે. ક્ષત્રિય આગેવાન તૃપ્તિબા રાઓલે કહ્યું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહે દિલ્લીની ગાદી સંભાળી દેશને ચોખ્ખો કરી રહ્યા છે તે સારી વાત છે. પરંતુ ગુજરાત તરફ મીટ માંડો તમારુ આંગણું ખરાબ થઈ રહ્યું છે. પરશોત્તમ રૂપાલાએ 16 એપ્રિલે રાજકોટથી ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે. જ્યારે રાજકોટમાં જ 14 એપ્રિલે ક્ષત્રિયોએ વિશાળ સંમેલન બોલાવ્યું છે. 


ક્ષત્રિયો આ સંમેલનમાં શું નિર્ણય કરે છે તેના પર સૌની નજર છે. કારણ કે ક્ષત્રિયો પોતાના અક્કડ વલણ પર અડગ છે. તો સામે ભાજપ પણ પોતાના નિર્ણય પર મક્કમ જોવા મળી રહ્યું છે. સરકારે અને ભાજપ સંગઠને ડેમેજ કંટ્રોલના પ્રયાસો શરૂ કરી દીધા છે. જોવાનું રહેશે કે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આ વિવાદનો ક્યારે સુખદ અંત આવે છે?