બાવળિયાને હરાવવા બાવળ કોણે રોપ્યા, ભાજપમાં કોણ છે કુંવરજીના દુશ્મન, ઓડિયોમાં સામે આવ્યું હરાવવાનુ ષડયંત્ર
Gujarat Election 2022 : જસદણ ભાજપમાં આંતરિક જૂથવાદ સપાટીએ.. કુંવરજી બાવળિયાને ચૂંટણીમાં હરાવવાની ચર્ચા અંગેનો કથિત ઓડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ.. ઓડિયોમાં ભોળા ગોહિલને જીતાડવાની ચર્ચા.. ગજેન્દ્ર રામાણી અને ભરત બોઘરા પર બાવળિયાનો આરોપ..
Gujarat Election Exit Poll ગૌરવ દવે/રાજકોટ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન થતા જ જસદણમાં રાજકારણ ગરમાયું છે. રાજકોટના જસદણમાં ફરી ભાજપમાં સામે આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. જસદણમાં ભાજપના આગેવાન દ્વારા કુંવરજી બાવળિયા વિરુદ્ધ મતદાન કરાવવાનો કથિત ઓડિયો સામે આવ્યો છે. ત્યારે કથિત વાયરલ ઓડિયો ક્લીપ પર કુંવરજી બાવળિયાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સુધી રજૂઆત કરવાની વાત કરી છે.
રાજકોટના જસદણમાં ભાજપમાં આંતરિક જૂથવાદ કંઈ નવો નથી. આ જૂથવાદ અનેકવાર લોકોને આંખે ઉડીને વળગ્યો છે. ત્યારે એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં જસદણમાં કુંવરજી બાવળિયાના હારની વાતો થઈ છે. જિલ્લા નેતૃત્વ અને સ્થાનિક નેતા ઇચ્છતા હતા કુંવરજી બાવળિયા હારે. ભાજપના ઉમેદવારને પાડી દેવા ભોળાના નામનો ઉપયોગ કર્યો હતો. ભોળા ગોહેલ કોગ્રેસના ઉમેદવાર છે. ઓડિયો ભાજપ નેતા ગજેન્દ્ર રામાણીની હોવાની ચર્ચા છે.
ત્યારે વિરુદ્ધ મતદાન કરાવવાના કથિત ઓડિયો મામલે કુંવરજી બાવળીયાએ કહ્યું કે, ઓડિયો સાબિત કરે છે કે ગજેન્દ્ર રામાણીએ તેમના વિરુદ્ધ ચૂંટણી દરમિયાન કામ કર્યું છે. જય ભોલેનાથ કરીને સાંકેતિક ભાષામાં તેઓ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરતા હતા. આ મામલે હું કમલમમાં રજૂઆત કરીશ. અગાઉ પણ તેમણે ગજેન્દ્ર રામાણી વિરુદ્ધ ઉપર રજૂઆત કરી હતી. જોકે તે સમયે યોગ્ય કાર્યવાહી ન થતા આવી હરકત ફરીવાર કરી છે.
કથિત ઓડિયો અંગે કુંવરજી બાવળિયા સીઆર પાટીલને રજૂઆત કરશે. આમ, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ભાજપના જ કાર્યકરોએ પ્રચાર કર્યો હતો. સાંકેતિક ભાષા જય ભોળાનાથ શબ્દનો ઉપયોગ પણ કરાયો. ત્યારે કુંવરજી બાવળિયાએ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા પર આરોપ મૂક્યો. તેમણે કહ્યું કે, પાર્ટી વિરુદ્ધ કામ કરનારા પાછળ ભરત બોધરાનો હાથ છે.