ગાંધીનગર : ગુજરાતના રાજકારણ માટે મંગળવારનો દિવસ મહત્વનો બન્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ સવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને સાંજે ચાર કલાકે કેબિનેટ મંત્રી પદ મેળવશે. ભાજપના નેતાઓએ કુંવરજીને આવકાર્યા હતા અને સાંજે કેબિનેટ વિસ્તરણની વાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની ભાજપે મંગળવારે વધુ એક ખેલ પાડયો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોળી સમાજના અગ્રણી કુંવરજી બાવળિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. જસદણના ધારાસભ્ય અને કોળી સમાજના અગ્રણી કુંવરજી બાવળિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. વાઘ આવ્યો, વાઘ આવ્યો...ક્યારનું જ ચાલતું હતું એ સંજોગોમાં કુંવરજી બાવળિયાએ મંગળવારે છેવટે પોતાના મન ખોલી નાંખ્યું અને કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો. 


વિધાનસભા અધ્યક્ષને આજે સવારે 11 કલાકે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપતો પત્ર આપ્યો અને સાથે જ ભાજપના નેતાઓએ કમલમ ખાતે એમને સહર્ષ આવકારવામાં આવ્યા. જોકે કમલમ આવેલા કુંવરજી બાવળિયાને પુછવા છતાં એમણે પત્રકારોને કંઇ જણાવ્યું ન હતું. 


આ સંજોગોમાં રાજ્યના ડેપ્યૂટી મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાયા છે અને એમને મહત્વનું સ્થાન આપવામાં આવશે. સાથે જ ભાજપ દ્વારા સાંજે ચાર કલાકે કેબિનેટ મંત્રી મંડળનું વિસ્તરણ કરવાની વાત કરતાં એ સ્પષ્ટ થઇ ગયું છે કે કુંવરજી બાવળિયાને કેબિનેટમાં મહત્વનું સ્થાન આપવામાં આવશે.