જસદણ : જસદણનું પરિણામ આવવાની શરૂઆત થોડી જ વારમાં થશે. ત્યારે આખા ગુજરાતમાં સૌની નજર આ પરિણામ પર ટકેલી છે. જસદણનું પરિણામ ભાજપ અને કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણીનું ભાવિ નક્કી કરે તેવું પણ કહેવાઈ રહ્યું છે. ત્યારે હવે થોડી જ વારમાં બધુ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ત્યારે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો મતગણતરી સેન્ટર પર પહોંચી ગયા છે. વહેલી સવારે પૂજા કરીને કુંવરજી બાવળીયા અને અવસર નાકિયા મતગણતરી સેન્ટર પર પહોંચી ગયા અને બંને ઝી ન્યૂઝ સાથેની વાતચીતમાં જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પરંતુ કદાચ પરિણામ પહેલા જ કુંવરજીમાં અહંકાર દેખાઈ રહ્યો છે. તેમણે મતગણતરી પહેલા નિવેદનમાં અવસર નાકિયાને રીક્ષાવાળો કહ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક સમયની ઈમેજ ચાવાળાની હતી. આ વાત તેઓ ગર્વથી સ્વીકારે છે અને આખા દેશને આ વ્યવસાય થકી રોજગારી મેળવવાનું પણ કહે છે, ત્યારે મતગણતરી પહેલાના નિવેદનમાં કુંવરજી બાવળીયાએ અવસર નાકિયાને રીક્ષાવાળો કહ્યો હતો. કુંવરજીએ કહ્યું હતું કે, મારા થકી કોંગ્રેસ શાસન ચસાવતી હતી. એક રીક્ષા ચલાવતી વ્યક્તિ ક્યારેય શાસન ન કરી શકે. આ વખતનું પરિણામ અકલ્પનીય છે. અહી કોંગ્રેસનું માત્ર ખોખુ જ રહી ગયું છે. મારા થકી જ આ વિસ્તારમાં તેઓ જીતતા હતા. આ વિસ્તારમાં વર્ષોથી કામ, મારી લાગણી, કામ, મતદારો સાથેનું લાયઝનિંગ છે.


આમ, એક વડાપ્રધાનની ઈમેજ ચાવાળાની હોય તો, રીક્ષા ચલાવનાર ઉમેદવાર કેમ ન હોઈ શકે. બીજી તરફ અવસર નાકિયાએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કરતા કહ્યું હતું કે, અહી કોંગ્રેસ જ જીતે છે.  જસદણની જનતા 25 વર્ષથી મત આપતી હતી, પણ પ્રજાને વિચારમાં આવ્યું નથી. ભાજપને ખોટુ બોલવાની ટેવટ છે અને જોરજોરથી ખોટુ બોલવાની ટેવ છે. 


ઉલ્લેખનીય છે કે, બંને પક્ષોએ જીતની તૈયારી કરી લીધી છે, પરંતુ જીતની ઉજવણી તો જસદણના પરિણામ પર જ આધારિત છે. બીજી તરફ જો જસદણમાં ભાજપ જીતે તો જીતુ વાઘાણી તેમજ સીએમ વિજય રૂપાણી પણ જસદણ આવે તેવી શક્યતા છે. ભાજપનાં વરિષ્ઠ નેતા ભરત બોઘરાએ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું કે, જસદણની જનતા માટે સોનાનો સુરજ ઉગ્યો છે અને ભાજપ પ્રચંડ બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો. તેમણે જણાવ્યું હતું કે કુંવરજીભાઇ અંદાજીત 25 થી 51 હજાર મતની લીડથી જીતશે.