ગૌરવ દવે/રાજકોટ :નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વાત વચ્ચે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સાથે જ સૌરાષ્ટ્રમા તેની મોટાપાયે અસર જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રમાં ભાજપને મોટો ફટકો પડે તેવી શક્યતા છે. એક સમયે કોંગ્રેસનો સાથ છોડીને ભાજપના પક્ષે ખસી જનાર કુંવરજી બાવળીયા હવે ફરી કોંગ્રેસનો હાથ પકડી શકે તેવા સંકેત મળી રહ્યાં છે. તો બીજી તરફ, પરસોત્તમ સોલંકી પણ ભાજપ છોડી કોંગ્રેસમાં જવાના ભણકારા છે. ત્યારે કુંવરજી બાવળિયાએ ટ્વીટ કરીને આ વાતનો રદિયો આપ્યો છે. તેમણે કોંગ્રેસમા જવાની વાત નકારી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નારાજગીની અને કોંગ્રેસમાં જોડાવાની વાત ખોટી - કુંવરજી
કુંવરજી બાવળિયા કોંગ્રેસમાં જોડાવાના દાવા અંગે મોટી ખબર સામે આવી છે. કોંગ્રેસમાં જોડાવાના દાવા પર કુંવરજી બાવળિયાએ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યુ કે, પાયાવિહોણા સમાચાર ફેલાવાઈ રહ્યા છે. હું ભાજપમાં છું અને હંમેશા રહેવાનો છું. મને કેબિનેટ મંત્રી બનાવવા માટે હું પાર્ટીનો આભારી છું. આવી અફતા ફેલાવનારને ઈશ્વર સદબુદ્ધિ આપે. નારાજગીની અને કોંગ્રેસમાં જોડાવાની વાત ખોટી છે. કુંવરજી બાવળિયાએ વધુમાં કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના સક્ષમ અને શીર્ષસ્થ નેતૃત્વથી પ્રભાવિત થઈ હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છું અને હંમેશા માટે રહેવાનો છું, પાર્ટીએ મને આદરપૂર્વક ખૂબ મહત્વની એવી કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી સોંપી જેના માટે હું પાર્ટીનો ખૂબ આભારી છું.


આ પણ વાંચો : નરેશ પટેલના રાજકારણની એન્ટ્રી વચ્ચે મોટી ખબર, પાટીદારોને રીઝવવા ભાજપ એક્શન મોડમાં આવ્યું


છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતની રાજનીતિમાં અટકળોનું બજાર ગરમ છે, ત્યારે ભાજપના 2 કોળી નેતાઓ ભાજપને ઝટકો આપે તેવા સમાચારો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ સમાચારોમાં કુંવરજી બાવળિયા અને પરસોત્તમ સોલંકી ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાવાના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. જેના પર આજે કુંવરજી બાવળિયાએ ટ્વીટ કરીને રદિયો આપ્યો છે. કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાંથી પડતા મૂકાયા બાદ સતત આ મામલે તેમની નારાજગી હોવાની વાતો ઊઠી રહી હતી અને તેઓ કોંગ્રેસમાં જવાની પણ અટકળો ચાલી રહી હતી. હાલ તો આ ટ્વીટ કરીને બાવળિયાએ અટકળો પર પૂર્ણ વિરામ લગાવવાનો પ્રયાસ કર્યો છે. 


ચૂંટણી પહેલાની સરકારનું પહેલુ અને છેલ્લુ ફોટોસેશન થયું, વિજય રૂપાણીની ગેરહાજરી ચર્ચાના ચગડોળે ચઢી 


ઉલ્લેખનીય છે કે, 150થી વધુ વિધાનસભા બેઠકો પર પ્રભુત્વ ધરાવતી કોળી-ઠાકોર-પાટીદાર સહિત 4 જ્ઞાતિએ ચૂંટણી પહેલા બાંયો ચડાવી છે. ચૂંટણી આવતા જ ગુજરાતમાં જ્ઞાતિગત રાજકારણ જોવા મળે છે. પાટીદાર, કોળી સમાજ, ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ, આદિવાસી સમાજની આંધી આવે છે. ચૂંટણી જીતવા દરેક પક્ષ જ્ઞાતિઓના શરણે પડે છે. ત્યારે ચૂંટણીમાં પાટીદારોનો પ્રભાવ મોટો જોવા મળે છે. ત્યારે નરેશ પટેલના કોંગ્રેસના જોડાણથી ભાજપને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ કારણે જ દિગ્ગજોને ડેમેજ કન્ટ્રોલ માટે સૌરાષ્ટ્ર દોડવુ પડ્યુ છે. 


આ પણ વાંચો : અમદાવાદ સામુહિક હત્યાકાંડનો આરોપી વિનોદ મરાઠી ઈન્દોરથી પકડાયો