કુંવરજી બાવળીયા અને દેવજી ફતેપુરા થયા એક, રાજકોટમાં મળી કોળી સમાજની મહત્વની બેઠક
ગુજરાતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલાં કોળી સમાજે જસદણ બેઠક પર કોળી નેતાને ટિકિટ આપવાની માંગ કરી છે. આ માટે આજે રાજકોટમાં એક બેઠક મળી હતી.
ગૌરવ દવે, રાજકોટઃ ગુજરાતમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જ તમામ નેતાઓ પોતાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા છે. હવે રાજકોટથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ચૂંટણી પહેલાં કોળી સમાજના દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયા અને દેવજી ફતેપરા એક થઈ ગયા છે. રાજકોટની એક હોટલમાં કોળી સમાજના આગેવાનો સાથે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી.
કુંવરજી બાવળીયા અને દેવજી ફતેપરા થયા એક
ગુજરાતમાં કોળી સમાજ પણ મહત્વનું પ્રભુત્વ ધરાવે છે. ત્યારે ચૂંટણી પહેલાં કોળી સમાજના દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયા અને દેવજી ફતેપરા એક થયા છે. આજે રાજકોટમાં કોળી સમાજની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં જસદણ વિધાનસભા સીટ પર કોળી સમાજને ટિકિટ આપવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે.
આ પણ વાંચોઃ શું છે નરેશ પટેલનો પ્લાન? પાટીદાર નેતાની પત્રકાર પરિષદમાં વર્ચ્યુઅલી સામેલ થશે પ્રશાંત કિશોર
નોંધનીય છે કે ગુજરાતના પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા જસદણ વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય છે. ત્યારે હવે કોળી સમાજ આ બેઠક પર ફરી કોળી નેતાને ટિકિટ આપવાની માંગ કરી રહ્યો છે. કોળી સમાજની બેઠક બાદ ચૂંટણી પહેલા રાજકીય માહોલમાં ગરમાવો આવી શકે છે.
ચૂંટણીમાં કોળી સમાજનું મજબૂત પ્રભુત્વ
ગુજરાતમાં કોળી સમાજનો વોટ શેર 23 ટકા જેટલો છે. જનસંખ્યાની દ્રષ્ટિએ પણ આ સમાજ ઘણું પ્રભુત્વ ધરાવે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં તે નિર્ણાયક છે. 37 વિધાનસભા બેઠક પર કોળી સમાજના મતદારો નિર્ણાયક છે. સૌરાષ્ટ્ર-કચ્છની 25 જેટલી સીટો પર કોળી સમાજનું ખાસ પ્રભુત્વ છે. તો દક્ષિણ ગુજરાતની 10-12 બેઠકો પર આ સમાજ કિંગમેકરની ભૂમિકામાં હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube