કચ્છી ઉદ્યોગપતિ હર્ષદ ઠક્કર છેલ્લા 12 દિવસથી મુંબઈથી લાપતા થતાં પરિજનો ચિંતાતુર
હર્ષદ ઠક્કર વેલેન્ટાઈન ગ્રુપના CMD છે, તેમનું અપહરણ કરાયું હોવાની શંકા સેવાઈ રહી છે, જોકે, ખંડણી માટે હજુ સુધી કોઈ ફોન આવ્યો નથી
અમદાવાદઃ મુળ કચ્છના પરંતુ વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયેલા અને મોટા વ્યવસાયની સ્થાપના કરનારા ઉદ્યોગપતિ હર્ષદ ઠક્કર મુંબઈમાંથી લાપતા થઈ ગયા હોવાના સમાચાર છે. જેના કારણે તેમના પરિજનો ચિંતાતુર બન્યા છે.
કચ્છી ઉદ્યોગપતિ હર્ષદ ઠક્કર ઘરેથી નિકળ્યા બાદ છેલ્લા 12 દિવસથી પરત ન આવતાં પરિજનો ચિંતિત બન્યા છે. તે 2 ઓક્ટોબરના રોજ મુંબઈના દાદરમાં આવેલી ઓફિસેથી લાપતા થયા હતા. તેઓ આશાપુરા ઈન્ટિમેટ સેશન લિમિટેડના માલિક હતા અને દેશમાં વેલેન્ટાઈન ગ્રુપ નામની રેડિમેડ ચેઈન ચલાવતા હતા. વેલેન્ટાઈન ગ્રુપના સુરત અને વડોદરા શહેરમાં 4 સ્ટોર સહિત દેશના અન્ય જાણીતા શહેરોમાં પણ સ્ટોર ચાલતા હતા.
વેલેન્ટાઈન ગ્રુપના CMD એવા હર્ષદ ઠક્કરને ગયા એક સપ્તાહમાં શેરબજારમાં જે કડાકો બોલાયો છે તેમાં ભારે નુકસાન થયું હતું. સપ્ટેમ્બરના અંતમાં તેમના વેલેન્ટાઈન ગ્રુપના શેરનો ભાવ 470 પરથી 370 પર આવી ગયો હતો. જેના કારણે તેમનું મોટું નુકસાન થયું હોવાથી હર્ષદ ઠક્કર લાપતા થયા હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે.
હર્ષદ ઠક્કર લાપતા થયા બાદ પરિવાર દ્વારા તેઓ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. પોલિસે પરિવારની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. જો અપરહણ થયું હોય તો અત્યાર સુધી કોઈનો ખંડણીનો ફોન આવે, પરંતુ આવો કોઈ ફોન હજુ સુધી આવ્યો નથી. હર્ષદ ઠક્કરના બંને ફોન સ્વીચ ઓફ આવી રહ્યા હોવાથી પોલીસ પણ મુંઝવણમાં છે.
સરોવરથી સરદારના 'વિરાટ' દર્શન, USના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા પણ ડબલ
હર્ષદ ઠક્કર કચ્છના મુળ જખૌ વિસ્તારના છે રહેવાસી અને તેમણે મુંબઈમાં શૂન્યમાંથી સર્જન કર્યું હતું. તેઓ ગુજરાત અને મુંબઈમાં મોટું નેટવર્ક ધરાવે છે. મુંબઈના વેપારી સમાજમાં તેઓ અત્યંત સન્માનજનક સ્થાન ધરાવતા હતા.