ગુજરાતના કાશ્મીરમાં કાતિલ ઠંડી વધતા જ પશુઓનું દૂધ આપવાનું ઓછું થયું, માલધારીઓ આવ્યા ટેન્શનમાં
- કચ્છમાં એકધારી તીવ્ર ઠંડી રહેશે તો દુધ ઉત્પાદન ઘટશે
- સરહદ ડેરીમાં હાલ 5.25 લાખ દૂધ આવી રહ્યું છે જો ઠંડી વધશે તો દુધનું ઉત્પાદન ઘટશે
- ઠંડા પવનને કારણે દુધાળા પશુઓની શારીરિક ક્ષમતામાં પણ પરિવર્તન આવતાં દુધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે
- કોલ્ડ વેવની અસર તળે પશુઓ પર ચયાપચયની પ્રક્રિયા પર અસર થતાં દૂધ ઉત્પાદન ક્ષમતા ઘટે છે
- પશુઓને ઠંડકથી બચાવી કઈ રીતે દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી શકાય?
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છ જિલ્લો ઠંડી હવાઓથી ઠૂંઠવાઈ રહ્યો છે. કચ્છ સહિત રાજ્યભરના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં તાપમાનનો પારો તો નીચો જઈ રહ્યો છે, પરંતુ સાથે સાથે આનાથી પશુધન પર અસર પડી રહી છે. શિયાળામાં તાપમાન 5 ડિગ્રીથી વધારે નીચું જાય તો દૂધાળા પશુઓના દૂધ ઉત્પાદનમાં ક્ષમતા ઘટે છે. ઉપરાંત માલધારીઓ પોતાના પશુઓને ખુલ્લામાં રાખતા હોવાથી પશુઓની પાચન પ્રક્રિયા પર અસર થવાથી દૂધની ક્ષમતા પણ ઓછી થઈ શકે છે. માલધારીઓ દ્વારા પશુને રહેવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો પશુઓને ઠંડીની વિપરિત અસર નહીં થાય.
ગુજરાતના કાશ્મીર એવા નલિયામાં લઘુત્તમ સતત નીચો સરકી રહ્યો છે આજે નલિયામાં 3.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે તો જો આગામી સમયમાં જો તાપમાન હજી પણ નીચું જશે તો દૂધનું ઉત્પાદન પણ ઘટવાની સંભાવના છે. હવે કચ્છમાં શિયાળાની પક્કડ જામી ચુકી હોઈ લઘુત્તમ પારો સતત નીચો સરકી રહ્યો છે. સમગ્ર કચ્છ જિલ્લો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યો છે. સરહદી કચ્છ જિલ્લામાં માનવ વસ્તી કરતા પશુધનની વસ્તી વિશેષ છે. કચ્છ જિલ્લામાં કુલ 20 લાખ જેટલું પશુધન છે. જેમાં 10 લાખથી વધુ ગાય અને ભેંસ વર્ગના પશુઓ છે. જેના લીધે પશુપાલન ઉદ્યોગ પણ ખુબ જ ફુલ્યો ફાલ્યો છે.
આ પણ વાંચો : પતિ નોકરીએ જતા પત્ની પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી, લાલઘુમ થયેલા પતિએ એવુ કર્યું કે શરમથી થઈ લાલચોળ
પશુપાલન વિભાગના અધિકારી ડૉ. હરેશ ઠકકરે આ વિશે જણાવ્યું હતું કે, હાલ શિયાળામાં કોલ્ડવેવ હોવાથી અને જો તાપમાન 5 ડિગ્રીથી નીચું જાય તો દુધાળા પશુઓના દૂધ ઉત્પાદન ક્ષમતા ઘટે છે. આ ઉપરાંત તમામ માલધારીઓ પોતાના પશુઓ ખુલ્લામાં રાખે છે. માટે કોલ્ડવેવની અસર તળે પશુઓ પર ચયાપચયની પ્રક્રિયા પર અસર વધારે થતી હોય છે, તેના કારણે દૂધ ઉત્પાદન ક્ષમતા પર અસર થઈ શકે છે.
પશુઓ માટે આ વ્યવસ્થા ઉભી કરવી
- જો માલધારીઓ દ્વારા પશુઓ માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેથી તેમને ઠંડો પવન ન લાગે.
- જો તેમને પૂરક આહાર આપવામાં આવે તો પશુ ઠંડીનો સામનો આસાનીથી કરી શકશે.
- જો પશુઓને ઠંડું પાણી પીવા માટે આપવામાં આવે તો પશુઓ પૂરતું પાણી પી શકતા નથી.
- માલધારીઓએ પશુઓને હૂંફાળું પાણી આપવું જોઈએ. જેથી પશુઓની ચયાપચયની પ્રક્રિયા સારી રીતે થઈ શકે અને પરિણામે પશુઓને ઓછી ઠંડક લાગે અને દૂધ ઉત્પાદન ક્ષમતા જળવાઈ રહે સાથે સાથે માલધારીઓની નફાકારકતા પણ જળવાઈ રહે.
આ પણ વાંચો : આ Video જોઈને રાત્રે ઊંઘ નહિ આવે, મોબાઈલ પર વાત કરતો કર્મચારી મશીનમાં લપેટાયો
જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું હોઈ જો એકધારી ઠંડી અનુભવાશે તો દુધ ઉત્પાદનમાં પણ ઘટાડો થઈ શકે તેમ છે. આ બાબતે અમુલ ફેડરેશનના વાઈસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે, સરહદ ડેરીમાં અગાઉ 4.85 લાખ લીટર દૂધ આવતું હતું અને હાલે દૈનિક 5.25 લાખ લીટર દુધ આવી રહ્યું છે. જિલ્લામાં હાલે ઠંડી વધી છે. જો તાપમાનમાં હજુય ઘટાડો થશે અને ઠંડી વધુ તીવ્ર બનશે તો દુધાળા પશુઓની શારીરિક ક્ષમતામાં પણ પરિવર્તન આવતું હોઈ દુધ ઉત્પાદનમાં ઘટાડો નોંધાઈ શકે છે.