રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામમાં ગઈ કાલે રાત્રે ગામની શેરીમાંથી બાઈક ચલાવવા મુદ્દે બે જૂથ આમને સામને આવી જતા તંગદિલી સર્જાઈ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ ગામમાં વાહનો અને કેબિનમાં આગ ચાંપી હતી. પરિસ્થિતિ વણસે નહિ તે માટે પોલીસ દ્વારા તાત્કાલિક ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સ્થતિ કાબૂમાં લેવા પ્રયત્નો કર્યા હતા. જેથી આજે ગામમાં મોટી સંખ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ પશ્ચિમ કચ્છના એસપી જાતે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોટડા જડોદર ગામમાં શેરીમાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાંથી બાઈક ચલાવવાના મુદ્દે આ સમગ્ર ઘર્ષણ સર્જાયું હતું. અન્ય જૂથના યુવકે બાઈક ચલાવતા યુવકને રોકીને ઠપકો આપ્યો હતો અને ઠપકો આપનાર યુવક પર અન્ય જૂથના યુવકે કુહાડીથી હુમલો કર્યો હતો અને ત્યાર બાદ બે જુદી જુદી જાતિના લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને મામલો વકરતા બંને જૂથના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા.


આ પણ વાંચો : ગોધરાકાંડમાં ટ્રેનનો ડબ્બો સળગાવનાર આરોપી હાજી બિલાલનું સજા દરમિયાન થયુ મોત


ઉલ્લેખનીય છે કે, હુમલા બાદ કોઈ જૂથના લોકોના ટોળાએ મોડી રાત્રે ગામના વાહનો અને કેબિનમાં આગ ચાંપી હતી. ઘાયલ યુવકને વધુ સારવાર અર્થે ભુજની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ગામમાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને SRP ના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે ગામમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. હાલમાં ગામમાં પરિસ્થિતિ અંકુશ હેઠળ છે.


આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે ઘટના સ્થળે પહોંચીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઘટના અંગે જાણ થતાં અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને Dysp, SP, IG સહિતના ઉચ્ચ અધિકારીઓ અડધી રાત્રે ગામમાં દોડી ગયા હતાં. આ બનાવ અંગે મોડી રાત્રે 5 આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે 5 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા હતા.



આ ઘટના વિશે કોટડા પાટીદાર સમાજના મહામંત્રી શાંતિલાલભાઈ નાકરાણીએ જણાવ્યું હતું કે, ગઈ કાલે પાટીદાર સમાજ અને કોટડા જડોદરના તમામ જ્ઞાતિના લોકો સાથે છે. ગઈ કાલે સમાજમાં એક લગ્ન પ્રસંગ હતો અને દરેક જ્ઞાતિજનો સાથે હતા. ત્યારે પ્રસંગો જ્યારે ચાલુ હતા ત્યારે આરોપીઓએ શેરીમાં બે થી ત્રણવાર પૂરજોશમાં બાઈક ચલાવી હતી. ત્યારે કેટલાક લોકોએ તેમને ટોક્યું હતું. છતાં તેઓ માન્યા ન હતા. ત્યાર બાદ  થોડાક સમય બાદ 4-5 લોકો કુહાડી, ધારિયા અને લાકડી જેવા હથિયારો લઈને આવ્યા હતા અને હુમલો કર્યો હતો. તેમણે ધાક ધમકી કરી અને ગાળાગાળી કરી હતી. જેમાં એક યુવક ગંભીર રીતે ઘવાયો હતો. જો આ બનાવમાં કોઈ યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો દરેક સમાજના સંગઠનો સાથે મળીને આગળના પગલાં ભરશે.


આ હુમલા ના બનાવ અંગે વાતચીત કરતા પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંધએ જણાવ્યું હતું કે, ગઈ કાલે રાત્રે યુવાન પર કુહાડીથી હુમલો થયો હતો. જેમાં આગળ જતાં જે યુવાન પર હુમલો થયો હતો તેના પક્ષના લોકો દ્વારા હુમલો કરનારના ઘરે જઈ હુમલો કરવામાં આવ્યો હતો, તોડફોડ કરવામાં આવી હતી અને આગચંપી કરવાનો પ્રયાસ કરાયો હતો. વાહનોને પણ આગ લગાડવામાં આવી હતી. પોલીસે સમયસર આવીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને ફરિયાદીઓની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યાર બાદ અન્ય આજુબાજુના ગામમાંથી લોકોએ આવીને ગામના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કેબિનો પાસેના ટાયરને આગ લગાવી હતી. 



આ ઉપરાંત એસપીએ જણાવ્યું હતું કે, આ બનાવમાં જે જે લોકોના વાહન, કેબીનને નુકસાન થયું છે તેની પણ ફરિયાદ નોંધવામાં આવશે. તથા જેના ઘરમાં હુમલો કરવામાં આવ્યો છે તેમની ફરિયાદ નોંધવા માટેની પણ તજવીજ ચાલું છે. હાલમાં ગામમાં શાંતિ છે. ગઈકાલે જ SRP જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. ઉપરાંત પોલીસ અધિકારીઓ અને Dysp પણ ગામમાં હાજર જ છે અને જ્યાં સુધી પરિસ્થતિ નોર્મલ નથી થઈ જતી ત્યાં સુધી અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. હજી પણ વધારે પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી છે અને અહીં તૈનાત કરવામાં આવશે.


આ બનાવ અંગે ગઈ કાલે ઘણી અફવાઓ પણ ફેલાવામાં આવી હતી જેમાં લોકોમાં અફવાઓ ફેલાવવામાં આવી હતી કે ઘણા બધા લોકો હથિયાર સાથે એકઠાં થયા છે તો પોલીસ દ્વારા ચકાસણી પણ કરવામાં આવી હતી. આ વાત માત્ર અફવા નીકળી હતી.