માનવી આટલો ક્રુર પણ બની શકે, બુલડોઝર નીચે કચડી નાંખ્યા વિદેશી પક્ષીના 5 હજારથી વધુ ઈંડા
- રોડ કોન્ટ્રાકટરના બુલડોઝર નીચે ચગદાઈ જતા બે-પાંચ નહિ પણ 5 હજારથી વધુ ઈંડા અને બચ્ચાનો નાશ કરવામાં આવ્યો હોવાની ચકચારી અને કંપાવનારી ઘટના બની
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છનાં ઇતિહાસમાં પ્રથમ વખત ગુલાબી ધોમડો પક્ષીએ કચ્છનાં મોટા રણમાં હજારોની સંખ્યામાં પ્રજનન કર્યું હતું. પરંતુ કચ્છની આ અણમોલ ધરતી આ પક્ષી માટે માફક ન આવી હોય તેમ રોડ કોન્ટ્રાકટરના બુલડોઝર નીચે ચગદાઈ જતા બે-પાંચ નહિ પણ 5 હજારથી વધુ ઈંડા અને બચ્ચાનો નાશ કરવામાં આવ્યો હોવાની ચકચારી અને કંપાવનારી ઘટના બનવા પામી છે. આ ઘટનાએ કચ્છનાં પક્ષી પ્રેમીઓને પણ હતપ્રભ કરી નાખ્યા છે. જોકે કચ્છનાં વનવિભાગે તદ્દન વિપરીત નિવેદન આપતા સાચું કોણ એ સવાલ ઉભો થયો છે.
આ પણ વાંચો : માસુમોના નજર સામે પિતાનું મોત, ભાઈએ નાનકડી બહેને જે રીતે સાંત્વના આપી તે જોઈ કોઈનું પણ હૈયુ પીઘળી જાય
વિકાસની આંધળી દોટમાં પ્રકૃતિનો નાશ
ભૂજના પક્ષીવિદ અને સ્થળની રૂબરૂ મુલાકાત લેનારા નવીનભાઈ બાપટે જણાવ્યું કે, કચ્છનાં મોટા રણમાં ઘડુલી-સાંતલપુર માર્ગે પક્ષીના હજારો ઈંડાનો કચ્ચરઘાણ કરવામાં આવ્યો છે. નેશનલ હાઇવેના રોડના કામ દરમિયાન ગુલાબી ધોમડો પક્ષીના ઈંડા પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. પાકિસ્તાનથી કચ્છનાં રણમાં પ્રથમ વખત પ્રજનન કરવા આવેલા પક્ષીનો કચ્ચરઘાણ વાળી દેવાયો છે. પ્રથમ વખત હજારોની સંખ્યામાં ગુલાબી ધોમડો પક્ષીની વસાહત કચ્છમાં આવી છે. પરંતુ કોન્ટ્રાકટરથી બેદરકારીથી પક્ષી સંપદાનો નાશ થયો છે. તેઓએ જણાવ્યું કે 25 હજારથી વધુ પક્ષીઓનો નાશ થયો છે. કચ્છમાં વિકાસની આંધળી દોટમાં પ્રકૃતિનો નાશ થતા રોષ ફેલાયો છે. આ માટે વાઈલ્ડલાઈફ એક્ટ પ્રમાણે ગુનો નોંધવા પક્ષીપ્રેમીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. જંગલ ખાતાની ટીમ તપાસ માટે પણ ગઈ હતી, સરકારમાં પણ આ બાબતે રજુઆત કરવામાં આવશે.
આ પણ વાંચો : વેક્સીનેશન દરમિયાન બોડેલીમાં અચાનક છત તૂટી, 7 લાભાર્થી અને નર્સિંગ સ્ટાફને હેમખેમ બહાર કઢાયા
પક્ષીવિદ 5 હજાર નહિ, પણ 25 હજાર ઈંડાના નાશની વાત કહે છે
બીજી તરફ પૂર્વ કચ્છ વન વિભાગના ડીસીએફ હર્ષ ઠક્કરે સમગ્ર ઘટના બાબતે વિપરિત નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું કે, લગભગ 5 હજાર ઇંડાનો નાશ થયો છે તે આંકડો અતિરેક છે. ટીમને સ્થળ પર તપાસ માટે મોકલાવી છે, જ્યાં 12 પક્ષીઓના મૃતદેહ જોવા મળ્યા છે. જેઓને પીએમ માટે મોકલવામાં આવ્યા છે. 3 ઈંડા તૂટેલી હાલતમાં જોવા મળ્યા છે. જ્યારે 500 થી વધુ ઈંડા જ હોવાનું જણાવ્યું હતું. તેમજ કથિત રીતે જે કોન્ટ્રાકટર અને મજૂરો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે તેઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે. જેઓ સામે વાઈલ્ડ લાઇફ એક્ટ પ્રમાણે કામગીરી કરવામાં આવશે. એક તરફ પક્ષીવિદ 5 હજાર નહિ, પણ 25 હજાર ઈંડાના નાશની વાત કહે છે. જ્યારે બીજી તરફ વન વિભાગ માત્ર 500 ઈંડા હોવાનું નિવેદન આપે છે તેથી સાચું કોણ એ સવાલ હાલ ચર્ચાના કેન્દ્રમાં છે.