રાજેંદ્ર ઠાકર, ભૂજ: પુર્વ કચ્છના આદિપુરના વેપારી હનીટ્રેપનો ભોગ બન્યા હોવાનો મામલો સામે આવ્યો છે. અંગતપળોનુ શૂટિંગ કરી લઇને તેના જોરે રૂા. 10 કરોડની ખંડણી મગાઇ હોવાના આરોપ સાથે ભુજ અને મુંબઇના જાણીતાં 8 લોકો સામે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જે પૈકી આજે 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આદિપુરના વેપારી અનંતભાઇ ચમનલાલ ઠક્કરે ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે માજી ધારાસભ્ય જયંતી ભાનુશાલી ખૂનકેસમાં જ્યુડિશિયલ કસ્ટડી ભોગવી રહેલા જેન્તી ઠક્કર તથા તેના ભાણેજ ખુશાલ ઠક્કર તેમજ જમીન બિલ્ડર તથા ડિશ કેબલના ધંધાર્થી વિનય રેલોન, ભચાઉના એડવોકેટ હરેશ કાંઠેચા અને તેના મિત્ર મનીષ મહેતા તેમજ મુંબઇ સ્થિત કચ્છ લડાયક મંચ સંસ્થાના રમેશભાઇ જોશી અને તેમના ભાઈ શંભુભાઈ જોશી ઉપરાંત મૂળ વડોદરાની આશા ધોરી નામની યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.


ફરિયાદી અનંત ઠક્કરે નોંધાવેલ ફરિયાદ મુજબ ફરિયાદી સાથે આરોપી આશાએ વોટ્સએપ ઉપર મેસેજ કરી વાતચીત કરી વિશ્વાસમાં લઇ હોટલમાં મળવા બોલાવી ફરિયાદીને હનીટ્રેપમાં ફસાવી પ્રથમ 20 હજાર મેળવી લીધા બાદ વધુ 50 હજારની માગણી કરતાં ફરિયાદીએ આપ્યા ન હતા. થોડાક સમય બાદ આરોપી વિનય તથા એડવોકેટ હરેશે ફરિયાદીને ભુજ બોલાવી મહિલા સાથેની અશ્લીલ વીડિયો ક્લિપનું રેકોર્ડિંગ બતાવી મામલાની પતાવટ માટે જેન્તી ઠક્કરનો સંપર્ક કરવા કહ્યું હતું અને વિનયે પતાવટ માટે મુંબઇના રમેશ જોશીનો સંપર્ક કરવા કહ્યું હતું.


ફરિયાદીએ દ્વારા આરોપીઓ ભેગા મળતા અને ફોન પર રમેશભાઇ સાથે વાતચીત કરી ત્યારે 10 કરોડની ખંડણીની માગણી કરી હોવાના પુરાવા સાથે ફરિયાદ નોંધાવી છે. પોલીસે એકસંપ થઇ ગુનાહિત કાવતરું રચી ખંડણી માગવા સંદર્ભે વિવિધ કલમો 34, 120-બી, 387 તળે ગુનો દાખલ કર્યો છે.



ભુજ એસપી કચેરીએથી પશ્ચિમ કચ્છ પોલીસ વડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે,આ કેસમાં અત્યાર સુધીમાં એક આરોપી વિનય રેલોનની ધરપકડ કરવામાં આવી છે. તેને કોર્ટમાં રજુ કરવા માટેની પ્રોસેસ હાલમાં ચાલુ છે.બીજા આરોપીઓની ભૂમિકાની પણ ચકાસણી હાલમાં ચાલુ છે.ક્યાં આરોપીની શું ભૂમિકા છે? ફરિયાદી પાસે ક્યાં ક્યાં સચોટ પૂરાવાઓ છે તે તમામ માહિતી ચકાસવામાં આવી રહી છે.10 કરોડની માંગણી કરવામાં આવી હતી અને આ કિસ્સામાં 8 આરોપીઓ છે.આ આરોપીઓના પહેલા પણ ગુનાહિત ઇતિહાસ છે માટે એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે.