ભુજઃ કચ્છમાં આરોગ્ય ક્ષેત્રે 15મી એપ્રિલે સ્વર્ણિમ સૂર્યોદય થશે. કચ્છના લોકોને કચ્છમાં જ અલગ અલગ રોગની સારવાર મળી રહેશે. ભુજની જનતા માટે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ સારી અને આવકારદાયક બાબત કહી શકાય તેવી અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું 150 કરોડના ખર્ચે નિર્માણ લેઉવા પટેલ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. જેનું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુલી ઉદ્ઘાટન કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરહદી જિલ્લા કચ્છમાં અગાઉ કોઈ પણ મોટી સર્જરી, કિડની ફેલ્યર, કેન્સર, ન્યુરો સહિતના ગંભીર અકસ્માતમાં લોકોને 400થી 500 કિલોમીટર દૂર અમદાવાદ, મુંબઈ કે મેટ્રો સિટીમાં જવું પડતું હતું પરંતુ હવે કચ્છ આરોગ્યક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે. કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કે.કે.પટેલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. અંદાજિત 12 એકરમાં અને 150 કરોડના ખર્ચે આ સંકુલ નિર્માણ પામ્યું છે.


આઝાદીના 75માં વર્ષે પણ કચ્છ જિલ્લામાં હાર્ટ-અટેક, કિડની ફેલ્યોર, કેન્સર, ન્યૂરો સહિત ગંભીર અકસ્માતમાં પૂર્ણ કક્ષાના ટ્રોમા સેન્ટરનો અભાવ રહ્યો છે. જેના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ખોયો છે. હસતા-ખીલવા પરિવારો-સંતાનો નિરાધાર બનતા રહ્યા છે. આ સ્થિતિનું નિવારણ અતિ જરૂરી હતું. તેથી કચ્છી લેઉવા પટેલ સમાજે રાષ્ટ્ર સેવાના મહાયજ્ઞમાં યથાશક્તિ આહુતિ અર્પવાની ભાવના સાથે 200 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું સર્જન દાતાઓના મહાસમર્પણના સથવારે કરવા સહિયારો પ્રયાસ કર્યો છે.


આ પણ વાંચોઃ પર્યટકો માટે ખુશખબરી! ગુજરાતમાં જલદી ખુલશે પહેલું ટાઈગર સફારી પાર્ક


કચ્છના સામત્રા ગામના કે.કે.પટેલ પરિવારે મુખ્ય નામકરણ સટ્યોગ અર્પી કાર્યનો પ્રારંભ વર્ષ 2018માં કરાવ્યો હતો. ભૂમિદાનમાં અન્ય દાતાઓનો પણ સાથ રહ્યો છે. 2019ના ડિસેમ્બરમાં ભુજ મંદિરના મહંત તેમજ સાંખ્યયોગી બહેનો, ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન, નામકરણના દાતા, સોગી દાતાઓ, સમાજ શ્રેષ્ઠીઓ અને દેશ-વિદેશના જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત સંપન્ન થયું હતું. તે પછી અઢી વર્ષના ગાળામાં 3 લાખ ચોરસ ફૂટ જેટલા બાંધકામ સાથે મહાનિર્માણ સાકાર થયું છે. હજારો દાતાઓ, કર્મયોગી કાર્યકરો, દેશ-વિદેશ વાસીએ તન મન ધનનું સહિયારું સમર્પણ કર્યું છે.


આ કે.કે.પટેલ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલમાં 200 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. ઉપરાંત અતિ આધુનિક મશીનરી કાર્યરત રહેશે. ઉપરાંત નિષ્ણાત ડોક્ટરો અને નર્સ સ્ટાફ પણ કાર્યરત રહેશે. આ અતિ આધુનિક અને સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાર્પણ દેશના પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુલી કરવામાં આવશે. ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા અને ગુજરાત સરકારના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તેમજ અન્ય અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહેશે.


આ પણ વાંચોઃ પાણીની સમસ્યા માટે રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર, તમે પણ કરી શકો છો કોલ


લોકોને આરોગ્ય સેવાઓ કચ્છમાં જ મળી રહે એ માટે સમાજના દાતાઓએ 110 કરોડનુ દાન આપ્યું છે. કે.કે.પટેલ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ તમામ સુવિધાઓથી સજ્જ નવી આધુનિક હોસ્પિટલ કચ્છને મળી રહી છે, જે આરોગ્ય ક્ષેત્રે લાભદાયક નીવડશે. કચ્છના છેવાડાના લોકો પણ સ્વાસ્થ્યને લગતી સારવાર કચ્છમાં જ મળી રહેશે અને અન્ય જિલ્લા કે રાજ્યમાં સારવાર લેવા જવું પડશે નહીં. આમ, કે.કે. પટેલ હોસ્પિટલ કચ્છની જનતા માટે આર્શીવાદરૂપ સાબિત થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube