રણોત્સવ એક યાદગાર પ્રવાસ : એક ક્લિક પર જાણો તમામ જરૂરી વાતો
આમ તો કચ્છડો બારેમાસ કહેવાય છે પરંતુ અહીં યોજાતો રણોત્સવ અહીંનું આગવું નજરાણું છે. શિયાળામાં અહીં યોજાતા રણોત્સવમાં દુર દુરથી સહેલાણીઓ આવે છે અને ગુજરાતની માટીની મહેંક સાથે કુદરતી નજારાનો અદ્ભૂત આલ્હાદ માણે છે. ચાંદની રાતમાં આકાશનું સૌદર્ય માણવાનો મોકો આ ઉત્સવમાં મળે છે. ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે શરૂ કરાયેલ રણોત્સવ આજથી શરૂ થઇ રહ્યો છે.
કચ્છ : આમ તો કચ્છડો બારેમાસ કહેવાય છે પરંતુ અહીં યોજાતો રણોત્સવ અહીંનું આગવું નજરાણું છે. શિયાળામાં અહીં યોજાતા રણોત્સવમાં દુર દુરથી સહેલાણીઓ આવે છે અને ગુજરાતની માટીની મહેંક સાથે કુદરતી નજારાનો અદ્ભૂત આલ્હાદ માણે છે. ચાંદની રાતમાં આકાશનું સૌદર્ય માણવાનો મોકો આ ઉત્સવમાં મળે છે. ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે શરૂ કરાયેલ રણોત્સવ આજથી શરૂ થઇ રહ્યો છે.
ગુજરાતના સૌથી મોટા અને કાચબા આકારમાં પથરાયેલા કચ્છ જિલ્લામાં ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ રણોત્સવ મનાવવામાં આવે છે. રણોત્સવ એટલે કે રણમાં થતો ઉત્સવ. અહીં દુર દુર સુધી મીઠાના અગરો શિયાળામાં સુકાઇ જાય છે અને સફેદ ચાદરમાં ફેરવાઇ જાય છે. જેની પર ચાંદની રાતનો અજવાશ પથરાતાં સફેદ રણનો અદભૂત નજારો જોવા મળે છે. કચ્છમાં આવેલા ધોરડોથી આ રણોત્સવની શરૂઆત થાય છે. અહીંનું અફાટ, અસીમ રણ આંખોમાં કાયમી યાદગાર બની રહે છે.
રણોત્સવ 1લી નવેમ્બરથી શરૂ થાય છે અને ફેબ્રુઆરી માસમાં સમાપ્ત થાય છે. રણોત્સવમાં વિશેષ નજારો જોવો હોય તો ફુલ મુન એટલે કે પૂનમ અને એની આસપાસના દિવસોમાં અહીંનો નજારો અદ્ભૂત જોવા મળે છે. આ ઉપરાંત અહીંની ભાતીગળ ઓળખના પણ દર્શન થાય છે અને અહીંના સ્થાનિક ભોજનનો પણ સ્વાદ માણી શકાય છે.
રણોત્સવ જોવો કેમ જરૂરી?
જો તમને એડવેન્ચરનો શોખ હોય તો રણોત્સવ તમારા માટે એક યાદગાર બની રહે એમ છે. ઉપરાંત જો તમને ખગોળ અને કુદરતના નજારો જોવાનો શોખ હોય તો આ ક્ષણ તમારા માટે અવિસ્મરણીય બની રહે એવી હોય છે અને એટલે જ રણોત્સવ આપના માટે એક અનેરી તક સમાન છે.
રોકાણ માટે ટેન્ટ સિટી
સફેદ રણમાં યોજાતા રણોત્સવમાં રાત્રિ રોકાણ માટે પણ ખાસ વ્યવસ્થા છે. અહીં યાત્રીઓ માટે ધોરડોમાં ટેન્ટ સિટી અને ભૂંગાની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. અહીં રોકાણ થોડું મોંઘુ જરૂર છે પરંતુ આ એક યાદગાર બની રહે એમ છે. જો અહીં રોકાણ ન કરવું હોય તો પણ ધોરડો નજીકના ગામમાં પણ રોકાણ કરી શકાય એમ છે. આ સાથે આ દિવસોમાં અહીં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
રણોત્સવ કેવી રીતે પહોંચવું?
રણોત્સવમાં જવા માટે પહેલા ભૂજ જવું પડે છે અને ત્યાંથી ધોરડો જઇ શકાય છે. બસ, ટ્રેન કે પ્લેન મારફતે તમે અમદાવાદ થઇને ભૂજ પહોંચી શકો છો. ભૂજથી ધોરડોનું અંતર 80 કિલોમીટર છે. ભૂજથી તમે દોઢેક કલાકમાં ધોરડો પહોંચી શકો છે. ભૂજથી બસ, ટેક્ષી કે અંગત કાર દ્વારા પણ તમે ધોરડો જઇ શકો છે.