કચ્છમાં જોવા મળશે વધુ એક નજરાણુ, પ્રવાસીઓની નજર આ પરથી હટશે નહિ
- મહારાણા પ્રતાપની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કચ્છના માંડવીમાં મૂકાશે
- શીતળા મંદિર પાસે તળાવમાં 1 કરોડના ખર્ચે 61 ફૂટની પ્રતિમા આકાર લેશે
- કચ્છના પ્રવાસનને વેગ આપવા માટે નગરપાલિકા દ્વારા લેવાયો નિર્ણય
રાજેન્દ્ર ઠક્કર/ભૂજ :‘કચ્છ નહીં દેખા તો કુછ નહિ દેખા...’ પંક્તિને સાર્થક કરવા માટે આમ તો અનેક પ્રવાસન સ્થળો કચ્છ (kutch) માં આવેલ છે, પરંતુ આ ઉપરાંત પણ કચ્છના પ્રવાસન સ્થળોમાં એક પીંછુ ઉમેરવા માંડવી નગરપાલીકા દ્વારા માંડવીમાં શીતળા મંદિર પાસેના રમણીય તળાવમાં વિશ્વની સૌથી ઊંચી 61 ફુટ ઉંચી મહારાણા પ્રતાપ (Maharana Pratap) ની વિશાળ પ્રતિમા મૂકાશે. 1 કરોડના અંદાજિત ખર્ચે મુકવા માટે કારોબારી સમિતિમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
કચ્છમાં પ્રવાસન (gujarat tourism) નું હબ બની રહેલા માંડવીમાં આબેહૂબ મહારાણા પ્રતાપ જેવી લાગતી કાંસ્ય પ્રતિમાને એફઆરપી મટીરીયલ્સમાંથી આકાર આપવામાં આવશે. રાજસ્થાનના ઉદયપુરમાં 57 ફૂટની પ્રતિમાનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે માંડવી નગરપાલિકા 61 ફૂટ ઊંચી પ્રતિમાને મૂકીને ઇતિહાસ રચશે. આ સાથે યુવાનોમાં પણ ઇતિહાસને લઈને જાગૃતતા આવે તથા મહારાણા પ્રતાપના જીવનથી યુવાનો પ્રેરિત થાય તેવો ઉદ્દેશ્ય પણ રહેલો છે.
આ પણ વાંચો : સંતરામપુરનો પરિવાર માતાજીના દર્શન કરે તે પહેલા જ કાળનો કોળિયો બન્યો, ખેડા પાસે અકસ્માતમાં 4 ના મોત
પાલિકાની કારોબારી સમિતિમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો
તાજેતરમાં નગરપાલિકાની કારોબારીના આઠ સદસ્યોની સમિતિની બેઠક ચેરમેન જીજ્ઞાબેન હોદારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં સેનિટેશન વિભાગના ચેરમેન જીજ્ઞેશ કષ્ટા દ્વારા પ્રવાસનને વેગ આપવા માટે મહારાણા પ્રતાપની પ્રતિમા શીતળા તળાવમાં મુકવાની માંગ દોહરાવતા બાંધકામ વિભાગના ચેરમેન વિશાલ ઠક્કર અને પાણી પુરવઠા સમિતિના ગીતાબેન ગોર દ્વારા બહાલી આપવામાં આવી હતી. બેઠકના અંતે 61 ફુટ ઉંચી મહારાણા પ્રતાપની વિશાળ પ્રતિમા મૂકવા સર્વાનુમતે ઠરાવાયું હતું, જેને સામાન્યસભામાં બહાલ કરાશે તેમ કારોબારી ચેરમેને જણાવ્યું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે કોઈ લોકોને શ્યામજી કૃષ્ણવર્માના ઇતિહાસ વિશે જાણ ન હતું ત્યારે દેશ સમક્ષ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્માનું સ્મારક બનાવ્યું ત્યારે લોકોને જાણ થઈ ત્યારે એવી જ રીતે અમને વિચાર આવ્યો કે મહારાણા પ્રતાપે પણ દેશ માટે ઘણું કર્યું છે ત્યારે મહારાણા પ્રતાપની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા 61ફૂટની માંડવીમાં બનાવવામાં આવશે તેવું સર્વાનુમતે બેઠકમાં નિર્ણય લેવાયો હતો. તથા યુવાનો અને આવનારી પેઢીને પણ મહારાણા પ્રતાપે આપણા દેશને બચાવવા માટે અને સંસ્કૃતિ માટે શું શું કર્યું હતું તે જાણવા મળશે.
આ પ્રતિમાની સ્થાપના માટે ટૂંક સમયમાં કન્સલ્ટિંગ, આર્કિટેક ની નિમણુંક તથા ટેન્ડર માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તથા જે કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા હશે તે ઝડપથી પૂર્ણ કરીને સમયના સંકલ્પ સાથે અહીં મહારાણા પ્રતાપની 61 ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે.