રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :સાહસિક વ્યક્તિઓ જાનની પરવા કર્યા વિના પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરી પડકારોનો સામનો કરતા હોય છે. આવા જ એક મૂળ ઉત્તરપ્રદેશના અને કચ્છને કર્મ ભૂમિ બનાવનારા ભુજના યુવાન જતિન રામસિંહ ચૌધરીએ 12 મી મેએ 8848 મીટરની ઊંચાઈ જેટલું કપરું ચઢાણ પૂર્ણ કરી માઉન્ટ એવરેસ્ટ સર કરી પરિવારની સાથેસાથે કચ્છનું નામ રોશન કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૂળ યુ.પી.ના અને કચ્છને ભૂમિ બનાવનાર નિવૃત્ત પી.એસ.આઈ. રામસિંહ ચૌધરીના 42 વર્ષીય પુત્ર જતિને ગત 14 મી એપ્રિલથી માઉન્ટ એવરેસ્ટના પર્વતારોહણની શરૂઆત કરી હતી, તેને લુક્લાથી બેઝ કેમ્પ સુધી પહોંચવામાં 10 થી 15 દિવસનો સમય લાગ્યો હતો, ત્યાર બાદ 9મીએ ફાઈનલ ચઢાણ શરૂ કરી, ગુરુવારે સવારે એવરેસ્ટની ટોચે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો ધ્વજ લહેરાવ્યો હતો.


આ પર્વતારોહણ દરમ્યાન એસપીઓ-ટુ એટલે કે તેનું ઓક્સિજન લેવલ 53 જેટલું થઈ ગયું હતું. સામાન્ય રીતે આટલા લેવલમાં કોઈપણ અન્ય વ્યક્તિને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડે છે. એમેઝોન કંપનીમાં સોફ્ટવેર એન્જિનીયર તરીકે નોકરી કરતા જતિન ચૌધરીને હાલ કંપની તરફથી વર્ક-ફ્રોમ-હોમ આપવામાં આવ્યુ છે. આ દરમ્યાન તેણે પોતાના મિત્રો સાથે હબાયના ડુંગર પર ટ્રેકિંગની શરૂઆત કરી હતી, ત્યારબાદ તેને પર્વતારોહણ કરવાની લગની લાગતાં તેણે એન્જિનિયર તરીકેની નોકરી છોડી વિવિધ સ્થળે ટ્રેકિંગની પ્રેક્ટિસ શરૂ કરી હતી. જતિને છ માસ અગાઉ નેપાળના 6800 મીટર ઊંચા અમાડબલમ પર્વત પર ચઢાણ કર્યું છે, જ્યાં અમુક લોકો જ જઈ શકે છે.


આ ચઢાણ દરમ્યાન રસ્તામાં ત્રણ પર્વતારોહકોને મુશ્કેલી થતાં હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ કરવા પડ્યા હતા, તેમ છતાં કોઈપણ જાતની હિંમત હાર્યા વિના જતિને માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું. એવરેસ્ટ સર કરવા પર્વતારોહકો સાથે નેપાળથી ખાસ શેરપા સાથે હોય છે, આ શેરપાઓને ખાસ તાલીમ આપવામાં આવતી હોય છે. જતિને નેપાળમાં આ તાલીમ લઈ ડિગ્રી હાંસલ કરી છે, તેથી નેપાળ સરકારના સચિવ દ્વારા તેને ગ્રુપ લીડર બનાવાયો હતો. આ ગ્રુપમાં અન્ય ૫૦ પર્વતારોહક જોડાયા હતા, જેની તમામ જવાબદારી સવાયા કચ્છને સોંપાઈ હતી, તેની સાથે જોડાયેલા પૈકી ૨૫ લોકોએ એવરેસ્ટ સર કરી લીધું હતું, બાકીના હજુ રસ્તામાં હતા.