Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : પોલીસ સ્ટેશનની અંદર જ આપઘાતનો બનાવ સામે આવતા ભારે ચકચાર સર્જાઇ છે. બનાવ માનકુવા પોલીસ મથકે સવારે બન્યો હતો. જ્યારે મુળ મુન્દ્રાના ટપ્પર ગામના 35 વર્ષીય યુવાનને બે કોલી સમાજના લોકો ઘરમાં ઘુસી જવાની ફરીયાદ સાથે પોલીસ મથકે લાવ્યા હતા. પરંતુ તે દરમ્યાન યુવકે પોલીસ મથકના બાથરૂમમાં આપઘાત કરી લેતા ભારે ચકચાર સર્જાઇ છે. અને સમાજ-પરિવારના લોકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયુ હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માનકુવા પોલીસ મથકના બાથરૂમમા એક યુવાનના આપઘાતે સમગ્ર પોલીસ બેડામાં ચકચાર સર્જી છે. યુવક વેલાજી કાસમ કોલીને શનિવારે સવારે માનકુવાના અશોક હરજી કોળીને પોલીસ મથકે લાવ્યા હતા. જો કે પોલીસ કોઇ કાર્યવાહી કે તપાસ કરે તે પહેલા જ 9 વાગ્યાના અરસામાં યુવક બાથરૂમ જવાનું કહ્યું હતું. આ બાદ તે બાથરૂમમાં પોતાની ટીશર્ટ સાથે લટકી ગયો હતો. લાંબો સમય તે બહાર ન આવતા પોલીસ કર્મચારીઓને કંઈક અજુગતુ લાગ્યું હતું. પોલીસે સમાજના લોકોને બોલાવી તપાસ કરતા યુવકે ગળફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનુ સામે આવ્યુ હતું. જે બાદ પરિવારે આક્રદ સાથે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા એક સમયે મામલો ગરમ બનતા પોલીસને બળ પ્રયોગ કરવો પડ્યો હતો. જો કે પરિવારે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.


પોલીસ મથકની અંદર જ યુવકના આપઘાતને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે માનકુવા પોલીસનો સ્ટાફ કાયદો વ્યવસ્થા જાળવવા સાથે તપાસમાં જોડાયું હતું. પરિવાર લાશ ન સ્વીકારવાની ચિમકી સાથે વિરોધ કરતા એક સમયે ઘર્ષણ સર્જાયુ હતું અને પોલીસે કેટલાકની અટકાયત પણ કરી હતી અને મૃતદેહને પી.એમ માટે ખસેડ્યો હતો જ્યા પણ પરિવારે લાશ ન સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જો કે પોલીસે આ સમગ્ર મામલે યુવક કસ્ટડીમા ન હોવાનુ કહી સમાજના આગેવાનો લાવ્યા હોવાનુ કહી સમગ્ર બનાવ અંગે માહિતી આપી હતી અને અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


આત્મહત્યાના બનાવને લઇ સમાજ-પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે. ચોક્કસ યુવક પોલીસ કસ્ટડીમાં ન હતો પરંતુ પોલીસ સ્ટેશનની અંદર જ આપઘાતના બનાવે ભારે ચકચાર સાથે પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે. ત્યારે જોવુ રહ્યુ કે પોલીસ તપાસમાં શુ ખુલે છે. અને પોલીસ કાર્યવાહી વચ્ચે પરિવાર મૃત્દેહ સ્વીકારે છે. કે નહી.