Banaskatha Heavy Rains, અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના લાખણી પંથકમાં બે કલાકમાં 6 ઇંચ અને સવારથી લઈને અત્યાર સુધી 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેને લઈને લાખણીની બજારમાં પાણી ફરી વળતાં દુકાનોમાં પાણી ઘુસી જતા અનેક વેપારીઓને મોટું નુકસાન પહોંચ્યું છે. લાખણી પંથકના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ખેતરો બેટમાં ફેરવાયા છે. તો લાખણી-થરાદ અને લાખણી-ડીસા હાઇવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


બીજી તરફ જિલ્લાના સરહદી પંથક વાવ, સુઇગામ અને થરાદમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાં છે. થરાદની અરંટવા પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ફરી વળતાં સ્કૂલના વર્ગખંડોમાં પાણી ભરાઈ જતા વાલીઓ શાળાઓમાં પહોંચી બાળકોને તેડીને ઘરે લઈ જવા મજબુર બન્યા છે, તો અનેક બાળકો પાણીમાં ચાલીને સ્કૂલમાંથી બહાર નીકળવા મજબુર બન્યા છે. 


જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને જિલ્લા કલેકટર વરુણ બરનવાલે નિવેદન આપતા કહ્યું કે લાખણી તાલુકામાં 2 કલાકમાં સાડા છ ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદ હોવા છતાં કોઈ જાનહાનીના સમાચાર નથી. SDRFની ટીમ ડીસામાં સ્ટેન્ડબાય રાખી છે. 


તમામ ગામોમાં અમારી ટીમો કાર્યરત છે અને કોઈપણ સમસ્યાને પહોંચી વળવા અમે તૈયાર છીએ. અમારો કન્ટ્રોલ રૂમ પણ સતત કાર્યરત છે. હું તમામ ગામડાઓના લોકોને અપીલ કરુ છું કે પશુઓને ખીલીને રાખે જેથી પાણી ભરાય તો એ સુરક્ષિત સ્થળે મુવ થઈ શકે.