ચોંકાવનારો રિપોર્ટ! અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરીમાં પકડાયેલા કુલ ભારતીયોમાંથી અડધોઅડધ ગુજરાતી!
Illegal Entry In US: અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનાર ભારતીયોની સંખ્યા ઓછું થવાનું નામ લઈ રહી નથી, ખાસ કરીને ગુજરાતીઓમાં તો અમેરિકા જવાનો જબરો ક્રેઝ ચાલી રહ્યો છે. અમેરિકી નાણાકીય વર્ષ 2024માં મેક્સિકો અને કેનેડાના રસ્તે 90,415 ભારતીયો પકડાયા છે. જેમાં આશ્ચર્યની વાત એ છે કે તેમાંથી લગભગ 50 ટકા ગુજરાતના છે.
- મોટી સંખ્યામાં મોત થયા છતાં ડંકી રૂટનો ઉપયોગ ચાલું
- ભારતમાં ખાસ કરીને ગુજરાતીઓમાં અમેરિકા જવાનો ગજબનો ક્રેઝ
- એક વર્ષમાં 90,415 ભારતીય પકડાઈ ગયા જે ઘૂસણખોરી કરવા માંગતા હતા
ઝી બ્યુરો/અમદાવાદ: ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓમાં અમેરિકામાં વસવાનો ક્રેઝ હજું પણ લોકોમાં એવો જ છે, ભલે પણ આ રસ્તો ખતરનાક હોય અને મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય. અમેરિકી નાણાકીય વર્ષ 2024માં 29 લાખ લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાની કોશિશમાં પકડાયા છે. અમેરિકી કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (યુએસ-સીબીપી) ડેટા અનુસાર, મેક્સિકો અને કેનેડાના રસ્તે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા પકડાયેલા લોકોમાં 90,415 ભારતીયો સામેલ હતા.
ઘૂસણખોરીના આંકડા હેરાન કરનારા
ગેરકાયદેસર ઘૂસણખોરી પર નજર રાખનાર ભારતીય એજન્સીઓના સૂત્રોનું કહેવું છે કે તેમાં લગભગ અડધી સંખ્યા ગુજરાતીઓની હતી. સૂત્રોએ એવું પણ જણાવ્યું કે દર કલાકે લગભગ 10 ભાકતીય પકડાઈ રહ્યા હતા. કેનેડાની સરહદથી 43,764 ભારતીયોની ધરપકડ કરવામાં આવી, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. ગત વર્ષના મુકાબલે આ વર્ષે મેક્સિકોના રસ્તે પકડાયેલા લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2023માં 96,917 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 2024માં આ સંખ્યા ઘટીને 25,616 થઈ ગઈ.
ઘટી રહ્યો છે ડંકી રૂટનો ઉપયોગ
ઈમિગ્રેશન નેટવર્કના એક સૂત્ર એ જણાવ્યું કે, લોકો બે કારણોથી મેક્સિકોના રસ્તે જનાર ડંકી રૂટનો ઓછો ઉપયોગ કરી રહ્યા છે. પહેલા દુબઈ અને તુર્કીમાં તેમને થોડા સમય માટે રોકવામાં આવે છે. બીજી, અમેરિકી એજન્સીઓ છેલ્લા કેટલાક વર્ષોથી આ દેશોમાં રહેતા ગેરકાયદેસર અપ્રવાસીઓ પર કડક નજર રાખી રહી છે અને તેમણે માનવ તસ્કરીના નેટવર્કને તોડી નાંખ્યું છે.
મેક્સિકોથી વધારે કેનેડાના રસ્તે ઘૂસણખોરી
એક અન્ય સૂત્રએ જણાવ્યું કે, ગુજરાતી લોકો હવે મેક્સિકોના બદલે કેનેડાનો રસ્તો પસંદ કરી રહ્યા છે કારણ કે ત્યાંથી ટેક્સી કરીને સરળતાથી અમેરિકામાં ઘૂસી શકાય છે. જોકે, અમેરિકી અધિકારીઓએ આ સરહદ પર નજર વધારી દીધી છે. સૌથી વધુ લોકો કેનેડાના વિઝા લઈને આવે છે પરંતુ પકડાઈ જાય તો થોડા સમય પછી ફરીથી કોશિશ કરે છે. સૂત્રોનું એવું પણ કહેવું છે કે સરહદ પર પકડાયેલા લોકો કરતાં વધુ લોકો ગુપ્ત રીતે અમેરિકામાં પ્રવેશવામાં સફળ થાય છે.