કેતન બગડા/અમરેલી :મહાન ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar) ની અચાનક ચીર વિદાય થતા સંગીત પ્રેમીઓમાં ભારે શોક જોવા મળી રહ્યો છે. લતા મંગેશકરનું કનેક્શન ક્યાંકને ક્યાંક અમરેલી સાથે કાયમ જોવા મળ્યું હતું. લતા મંગેશકરના અંગત મદદનીશ મહેશ રાઠોડ જે રાજુલા તાલુકાના મોરંગી ગામના હતા. જેઓ હાલ મુંબઈમાં રહીને લતા મંગેશકર માટે કામ કરતા હતા. જેથી લતા મંગેશકર અમરેલી જિલ્લાથી ખૂબ સારી રીતે વાકેફ હતા. અહીં તેમણે રાજુલા તાલુકાના મોરંગી ગામમાં ભવ્ય સાઈનાથનુ મંદિર બનાવવા મદદ કરી હતી. આ મંદિરનો તમામ ખર્ચો લતા મંગેશકરે આપ્યો છે. અહીં ભગવાન સાંઈનાથની મૂર્તિ લતા દીદી દ્વારા શિરડીથી મોકલવામાં આવી હતી. આ મૂર્તિના સ્થાપન વખતે શિરડી મંદિરના પુજારી અમરેલી આવ્યા હતા અને આ મૂર્તિનું સ્થાપન તેમના હસ્તે કરાયુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લતા મંગેશકરને મોરંગી ગામથી વિશેષ લગાવ હતો. અહીં એક સ્થાનિક સ્કૂલમાં તેઓએ સવા લાખ સુધીનું દાન ગત વર્ષે કર્યુ હતું. જે દર્શાવે છે કે લતા મંગેશકરને રાજુલાના મોરંગીથી વિશેષ લગાવ હતો. અહીં પાંચથી છ વર્ષ પહેલા ભવ્ય સાઈ મંદિરનું નિર્માણ લતા મંગેશકર દ્વારા ખાસ કરવામાં આવ્યુ હતું. આસપાસના વિસ્તારમાં સાઈ ભક્તો ખૂબ હતા, જેથી લતા મંગેશકરના ધ્યાને આવતા તેમણે લાખોના ખર્ચે ગામમાં મંદિર બનાવી આપ્યુ હતુ. 



આ મંદિર માટે ભગવાન સાંઈની મૂર્તિ છેક શિરડીથી મંગાવવામાં આવી હતી. તેના પ્રાણ પ્રતિષ્ઠા માટે શિરડી મંદિરના પૂજારીને ખાસ બોલાવવામાં આવ્યા હતા. આજે પણ લતા મંગેશકર દ્વારા બનાવવામાં આવેલ સાઈ મંદિર એવુ જે એવુ જ છે. અમરેલી જિલ્લાભરમાંથી અહીં મંદિરમાં લોકો નમન કરવા આવે છે. ત્યારે ચોક્કસથી કહી શકાય લતા મંગેશકરની યાદ હાલ અમરેલી જિલ્લામાં મોરંગીમાં કાયમ રહેશે. રાજુલા અને અમરેલીના લોકો લતા મંગેશકરના આ મંદિર માટે પણ કાયમ ઋણી રહેશે. આજે લતા મંગેશકર આપણી વચ્ચે નથી, ત્યારે તેમના દ્વારા નાનકડા ગામમાં ભવ્ય નિર્માણ પામેલું મંદિર યુગો-યુગો સુધી લતા મંગેશકરને યાદ કરશે.