ઝી બ્યુરો/સુરત: ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં જ નબીરાઓ બેફામ બન્યા છે. સુરતમાં સોમવારે મોડીરાત્રે પાલ મેન રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. પાલ રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં એક કાર ચાલક નશામાં હતો, જેનો કાર ચાલકે કબૂલાત પણ કરી છે. અકસ્માત બાદ નશામાં ધૂત કાર ચાલકે અન્ય કાર ચાલક પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમાં ફરિયાદી ચાલક કારની બોનેટ પર ચડી ગયો અને નશાખોર કાર ચાલક તે યુવકને બે કિલોમીટર સુધી ઢસડી ગયો હતો. નાનકડો એવો અકસ્માત થયો અને સુરતમાં મોડીરાત્રે આ નબીરાએ તમાશો કર્યો. ત્યારે સૌથી મોટો એ સવાલ છે કે સુરત પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં કરી શું રહી હતી. પોશ ગણાતા પાલ વિસ્તારમાં 2 કિલોમીટર સુધી આ રીતે યુવકને ઢસડવામાં આવ્યો છતાં પોલીસ કરી શું રહી હતી?



મહત્વનું છે કે, ગુજરાતમાં નબીરાઓ બેફામ બનીને કાયદા અને નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. પોલીસ કે કાયદાના ડર વગર બેફામ ડ્રાઈવિંગ કરી રહ્યા છે અને લોકોને ટક્કર મારી મોતને ઘાટ પણ ઉતારી રહ્યા છે. કોઈ દારૂ પીને ગાડી ચલાવે છે. કોઈ રીલ્સના ચક્કરમાં જોખમી સ્ટંટ કરે છે. તો કોઈ લાયસન્સ વગર જ રોડ પર પૂરપાટ ઝડપે ગાડીઓ દોડાવે છે. જેનું સૌથી મોટું ઉદાહરણ છે તથ્ય પટલે...20 જુલાઈએ અમદાવાદમાં અડધી રાત્રે તથ્ય પટેલની ગાડી કાળ બનીને નવ લોકો પર ફરી વળી. એવી જ રીતે 24 જુલાઈએ અમદાવાદના મણિનગરમાં એક નબીરો નશાની હાલાતમાં અકસ્માત સર્જે છે. 


તો 25 જુલાઈએ વડોદરામાં હિટ એન્ડ રનની હચમચાવનારી ઘટના સામે આવે છે. તો 27 જુલાઈએ અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં દારૂપીને BMW ચાલક નબીરો અનેક જગ્યાએ અકસ્માત સર્જે છે. જ્યારે જૂનાગઢમાં 29 જુલાઈએ બેફામ બનેલ નબીરો સાંકળી ગલીમાં પણ પૂરપાટ ઝડપે કાર ચલાવી એક મહિલાને ટક્કર મારીને ફરાર થાય છે. આ તમામ એવી ઘટનાઓ છે જે પોલીસના કડક કાર્યવાહીના દાવાને પોકળ સાબીત કરી રહી છે. નબીરાઓ છાંટકા બનીને બેફામ ડ્રાઈવિંગ કરી રહ્યા છે અને પોલીસ તેમના પર લગામ કસવામાં નિષ્ફળ નીવડી રહી છે.