ઝી બ્યુરો/અમદાવાદ: આજે ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. જેના ભાગરૂપે આજે અમદાવાદ સહિત કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં માવઠું પડવાની આગાહી કરાઈ હતી. ત્યારે અમદાવાદ સહિત બનાસકાંઠાના પાલનપુર, ડીસા અને થરા વિસ્તારમાં વહેલી સવારે વરસાદ પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીથી કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ અગાઉ નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. આાગાહીના પગલે માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલો પાક પણ ઢાંકી દેવામાં આવ્યો છે.


બહુચરાજીમાં વરસાદ
આજે વહેલી સવારે મહેસાણા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી, જેના ભાગરૂપે ભરશિયાળે આજે પરોઢીયે વરસાદ પડ્યો અને હવે શિયાળુ પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. કપાસ, એરંડા, રાયડાના પાકમાં ખેડૂતોને નુકશાન થઈ શકે છે. 


અંબાજીમાં વરસાદ
આજે વહેલી સવારથી જ અંબાજી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી અંબાજી પંથકમા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રિ દરમ્યાન છુટા છવાયા વરસાદી હળવા ઝાપટા પડ્યા છે. ભરશિયાળે કમોસમી વરસાદી માવઠુ થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. રવિ પાક માટે કમોસમી વરસાદને પગલે ખેડુતો પર આફતના ઓળા દેખાઈ રહ્યા છે. અંબાજીમાં વરસાદી માહોલથી વાતાવરણ ઠંડુગાર બન્યું છે.


ગાંધીનગરમાં ભારે વરસાદ
આજે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે માવઠાની અસર જોવા મળી છે. ગાંધીનગરમાં પરોઢીયે ચોમાસામાં પડે એ પ્રકારે વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળ્યા છે.


અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. મોડાસા સહીત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. રાત્રી દરમિયાન કમોસમી વરસાદ વરસતા જાણે ચોમાસાની સીઝન હોય તેવો ભાસ થયો છે.


અત્રે નોંધનીય છે કે, અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના 8 જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. આજે પણ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube