લૉ ગાર્ડન ખાણીપીણી બજારના વેપારીઓના માનવતાનાં નામે ધરણા
ખાણીપીણી બજાર બંધ થવાના કારણે 5 હજારથી વધારે લોકોની રોજી છિનવાઇ ગઇ હોવાનો વેપારીઓનો આરોપ
અમદાવાદ : શહેરના લૉ ગાર્ડન પાસે આવેલ ખાણીપીણી બજાર પર કોર્પોરેશને તવાઇ લાવતા સમગ્ર ગલીમાં બુલડોઝર ફેરવી દીધું હતું. બિનકાયદેસર દબાણ કરીને ચાલતી આ ખાઉગલીના લારીવાળાઓ હવે ધરણા પર ઉતર્યા છે. લો ગાર્ડનના વેપારીઓએ બેનર સાથે ધરણા પર બેસી ગયા છે. વેપારીઓનો આરોપ છેકે કોર્પોરેશનની આ કાર્યવાહીનાં કારણે 5 હજારથી વધારે લોકોનાં પેટ પર લાત પડી છે. લો ગાર્ડન ખાણીપીણી બજારના કારણે ટ્રાફીકની ભારે સમસ્યા સર્જાતી હોવાથી તમામ દબાણ હટાવી દેવામાં આવ્યુ હતું.
વેપારીઓની માંગ છે કે આ બજારને ફરીથી ચાલુ કરવા દેવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક વેપારીઓનો દાવો છે કે લો ગાર્ડનનું સ્ટ્રીટ ફુડ દેશના બીજા નંબરનું સૌથી સ્વચ્છ સ્ટ્રીટ ફુડ છે. મોડીરાત્રે જમવાનાં શોખીનો માટે લો ગાર્ડન વણલખ્યું ડેસ્ટીનેશન છે. અહીં નાસ્તાથી માંડીને જમવા સુધીની મોટા ભાગની સામગ્રી મળી રહે છે. જો કે મોટા પ્રમાણમાં લોકો અહીં આવતા હોવાનાં કારણે ટ્રાફીકની સમસ્યા પણ એટલા જ મોટા પાયે થાય છે.
મોટે ભાગે જે લારીની સામે નાસ્તો કરવા માટે ઉભા રહે ત્યાં સામે જ વાહન પાર્ક કરતી દેતા હોય છે. જેનાં કારણે અડધો રોડ લારી-ગલ્લા વાળા અને બાકીનો અડધો રોડ પાર્કિંગના કારણે પેક થઇ જતા માત્ર સિંગલ પટ્ટી રોડ જેટલી જગ્યા માંડ ખુલ્લી રહે છે. જેના કારણે આ રોડ પરથી ચાલતા પસાર થવું પણ મુશ્કેલ થાય તેવી પરિસ્થિતી સર્જાતી હતી. ઉપરાંત આ શહેરનો મધ્ય અને અતિવ્યસ્ત વિસ્તાર હોવાથી ટ્રાફીકની સમસ્યા ખુબ જ થતી હતી.