અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી વરસાદે વિરામ લીધો છે. તેનાથી ખેડૂતો પરેશાન છે અને વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ફરીથી ચોમાસું સક્રિય થવાની શક્યતા છે. આગામી એક-બે દિવસમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વરસાદ આવી શકે છે. કચ્છ સિવાય તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, થોડા દિવસથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે જેના કારણે ખેડૂતોના પાક સુકાઇ રહ્યાં છે. જેથી ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. તેના કારણે આગામી 8 ઓગસ્ટે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી સામાન્ય વરસાદ થઈ શકે છે. 


દેશમાં હાલમાં યુપી, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઉતરી આંધ્ર તેમજ બિહારના પશ્ચિમ ભાગ તથા ગુજરાતમાં અપર એર સાઇક્લોન સરક્યુલેશન સક્રિય થયું છે. જેથી 6 ઓગસ્ટ બાદ પશ્ચિમી રાજ્યોમાં ચોમાસું ફરી સક્રિય થવાના સંકેતો મળી રહ્યાં છે. 


મહત્વનું છે કે,  રાજ્યમાં પ્રથમ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. અનેક જગ્યાએ તો પૂરની સ્થિતિ સર્જાઇ હતી. ગીર સોમનાથ જિલ્લામાં તો ભારે વરસાદને કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો રાજ્યના અમુક ભાગમાં હળવો તથા સામાન્ય વરસાદ જ થયો છે. ત્યારે આગામી દિવસોમાં ફરી સારો વરસાદ થાય તેવી રાહ લોકો જોઈ રહ્યાં છે.