હનીફ ખોખર/જુનાગઢ :સિંહની પજવણી બાદ હવે ગુજરાતના જંગલોમાં દીપડાની પજવણી થઈ રહી છે, જેનો વીડિયો સામે આવતા જ વન વિભાગ દોડતું થયું છે. 4 થી વધુ યુવાનો દ્વારા દીપડાના બચ્ચાને પકડીને તેની પજવણી કરાઈ રહી છે. યુવકોએ દીપડાના બચ્ચાને બોચીથી બિન્દાસ્ત પકડ્યું છે અને તેની સાથે ગમ્મત કરી રહ્યા છે. ત્યારે આ મામલે રાજ્યભરના પ્રાણીપ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. તો બીજી તરફ, ગીર ફોરેસ્ટ ટાસ્ક ફોર્સ દ્વારા પજવણી કરનારા યુવકોને શોધનારાને 25 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


પહેલીવાર આરોપીને પકડવા ઈનામ જાહેર કરાયું
દીપડાના બચ્ચાના વાયરલ વીડિયો મામલે વનવિભાગે સઘન તપાસ શરૂ કરી છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, 4 યુવાનો દ્વારા દીપડીના બચ્ચા સાથે વિકૃત આનંદ માણી રહ્યા છે. માતાથી વિખુટા પડેલ બચ્ચા સાથે યુવાનોએ મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હતો. ત્યારે ગીર ફોરેસ્ટ ટાસ્ક ફોર્સ દ્વારા આ યુવાનોને પકડવા માટે 25 હજારનું ઈનામ જાહેર કરાયું છે. વન વિભાગે કહ્યું કે, દીપડાના બચ્ચાને પરેશાન કરનારનો કોઈ પત્તો આપશે તેને 25 હજારનું ઇનામ આપવામાં આવશે. ગીર ફોરેસ્ટની ટાસ્ક ફોર્સ દ્વારા આ ઈનામની જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગીર જંગલમાં જંગલી જાનવરોને પજવણી કરનારાઓને પકડવા પહેલીવાર જાહેર ઈનામ જાહેર કરાયું છે.  



આરોપીઓને પકડવા સોશિયલ મીડિયા પર મદદ માંગી
તો બીજી તરફ, જૂનાગઢના ડીસીએફ ડૉ. સુનીલ બેરવાલે પણ આરોપીઓને પકડવા મદદ માંગતી ટ્વિટ કરી છે. તો સાથે જ ગીર જંગલ વેસ્ટ એરિયાના ડીસીએફ ડો. ધીરજ મિત્તલે પણ ટ્વિટર પર આરોપીઓને પકડવા મદદ રકવા આહવાન કર્યું છે. 


ગીર પંથક આમતો એશિયાઇ સિંહો માટે પ્રચલિત છે. પરંતુ સિંહોને પજવણી કરતા અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ત્યારે હવે દિપડાના બચ્ચાને ચાર યુવકો દ્વારા પજવણી કરતો આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાઇરલ થયો છે. વન વિભાગે પણ આ દિપડાની પજવણી કરી રહેલા યુવકોની વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :