સજાતીય સંબંધ ધરાવતી બે મહિલાએ એક બાળકી સાથે સાબરમતીમાં ઝંપલાવી કર્યો આપઘાત
સજાતીય સબંધ ધરાવતી બે મહિલાએ એક બાળકી સાથે સાબરમતી નદીમા ઝંપલાવી આપઘાત કરતા ચકચાર મચી છે.
અમદાવાદઃ સજાતીય સબંધ ધરાવતી બે મહિલાએ એક બાળકી સાથે સાબરમતી નદીમા ઝંપલાવી આપઘાત કરતા ચકચાર મચી છે. આપઘાત કરતા પહેલા બંને લેસબિયન મહિલાએ રિવરફ્રન્ટ પર નાસ્તો કર્યો અને ત્યાર બાદ નાસ્તાની ડિશ અને વોક-વેના બાંકડા પર નેલ પોલીસથી સ્યુસાઇડ નોટ લખી અને ફૂલ જેવી બાળકી સાથે જીવન ટૂંકાવ્યું હતું.
બાવળાની બે મહિલાએ 3 વર્ષીય બાળકી સાથે રિવરફ્રન્ટ પરથી નદીમા ઝંપલાવતા ચકચાર મચી હતી. રાત્રીના 1 વાગે કોલ મળતા તાત્કાલિક રિવરફ્રન્ટ ગુર્જરી બજાર ખાતે પહોંચી હતી અને રેસક્યુ કરી 3 ડેડ બોડી બહાર કાઢી હતી. રિવરફ્રન્ટ પોલીસે તપાસ કરતા બંનેમાંથી એક મહિલા આશાબેન અને બીજી ભાવનાબેન હોવાનું સામે આવ્યું હતું. બંન્ને મહિલાને સજાતીય પ્રેમ સંબંધ હતો. આપઘાત કરતા પહેલા બંનેએ નાસ્તાની ડિશ તથા વોક વેના બાકડા પર સ્યુસાઇડ નોટ લખી હતી. " અમે બંને એક થવા દુનિયાથી દુર થઇ ગયા પણ દુનિયાએ તોય અમને જીવવા ના દીધા. અમારી સાથે કોઈ પુરુષ નહતો. તથા નાસ્તાની ડિશ પર ક્યારે મળીશું, હવે આવતા જન્મમાં પાછા મળીશું જેવા લખાણો લખી આશાબેન તેમની 3 વર્ષીય બાળકી મેઘા અને ભાવનાબેન સાથે નદીમા પડતું મુકી જીવન ટૂંકાવ્યું હતું.
આશા બેનના લગ્ન થોડા વર્ષો પહેલા હિંમતભાઈ ઠાકોર સાથે થયા હતા અને બાવળા ખાતે તેમના પરિવાર સાથે રહેતા હતા. આશા બેનને સંતાનમા બે બાળકી હતી. 6 મહિનાથી આશાબેન મટોળા પાટિયા પાસે આવેલી એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. તેજ કંપનીમાં ભવના બેન પણ તેમની સાથે કામ કરતા હતા. ભાવનાબેન બાવળાના રજોડા ગામે રહેતા હતા. નોકરી દરમિયાન બંનેને સાજતીય પ્રેમ સંબંધ બંધાયો અને બંને પરણીત મહિલાઓએ એક થવાનું નક્કી કર્યું. 3 દિવસ પહેલા આશાબેન કંપનીમા પગાર લેવા જાઉં છું તેમ કહી નિકળ્યા હતા .ઘરે પરત ના ફરતા બંને મહિલાના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી અને આજે વહેલી સવારે બંને મહિલા અને બાળકીના મૃતદેહ મળી આવતા પરિવાર શોકમગ્ન બન્યો હતો. બંને મહિલાના સજાતીય સબંધમાં આખરે એક નાની બાળકીએ પણ ભોગ બનવાનો વારો આવ્યો .હાલ તો રિવરફ્રન્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.