હાર્દિક દિક્ષિત, વડોદરા: :રાજ્યભરમાં રાઈટ ટૂ એજ્યુકેશન અંતર્ગત ગરીબ તેમજ વંચિત પરિવારના બાળકોને ખાનગી શાળામાં ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે તે માટે ધોરણ 1 માં ઓનલાઈન પ્રવેશ પત્રો ભરીને રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરામાં પણ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે આ વર્ષે વાલીઓનો ભારે ધસારો રહ્યો છે. જોકે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 700 બેઠકોનો ઘટાડો કરવામાં આવ્યો છે. પરિણામે અનેક ગરીબ પરિવારના બાળકો આર.ઇ.ટી અંતર્ગત પ્રવેશથી વંચિત રહી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2021-22 માં ધોરણ 1 માં પ્રવેશ માટે ઉપલબ્ધ છે. 3800 બેઠકો સામે 7936 વિધ્યાર્થીઓએ એડમિશન માટે ફોર્મ ભર્યા છે. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ બાળકોને ખાનગી શાળાઓમાં એડમિશન આપવામા આવતું હોય છે. ત્યારે આ વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન અંતગર્ત એડમિશનની શરૂઆત થઈ ચૂકી છે. તા. 5 જુન રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધીમાં કુલ 3800  જગ્યા માટે 7936 વિદ્યાર્થીઓ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. તા. 13 જૂલાઇ બાદ પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે. 


આ અંગે જિલ્લા શિક્ષણ કચેરીના અધિકારી શિવાંગીબેન શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધોરણ 1 માં 3800 બેઠકો ઉપલબ્ધ છે. 3800 બેઠકો માટે 7936 વિદ્યાર્થીઓના વાલીઓએ રજિસ્ટ્રેશન ફોર્મ કરાવ્યું છે. હવે  ભરાયેલા ઓનલાઈન દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ભરાયેલા તમામ ફોર્મની પાત્રતા ચકાસવામાં આવશે. જે તા. 13મી જુલાઈ સુધી ચાલશે. અને તેના એક સપ્તાહ બાદ આરટીઈ અંતર્ગત પ્રવેશના પ્રથમ રાઉન્ડનું લિસ્ટ બહાર પાડવામાં આવશે. 


તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  કોરોના મહામારીને ધ્યાનમા રાખીને ગત વર્ષની સરખામણીમા આ વર્ષે કોઇ બેઠકોમાં વધારો નોંધાયો નથી. ગત વર્ષે 4500 બેઠકો હતી. પરંતુ આ વર્ષે 3800 બેઠકો કરવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે અનેક વાલીઓના નોકરી, ધંધા ઉપર અસર પહોંચી છે. ત્યારે સરકાર દ્વારા આર.ઇ.ટી. હેઠળ બેઠકો વધારવાના બદલે ગત વર્ષ કરતા 700 બેઠકો ઓછી કરતા આ વર્ષે અનેક વિદ્યાર્થીઓ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ હેઠળ પ્રવેશથી વંચિત રહેશે.