અતુલ તિવારી, અમદાવાદ: રાજ્યની સિવિલ હોસ્પિટલમાંથી GMERS કોલેજોમાં તબીબી અધ્યાપકોની જગ્યા ભરવા બનાવાયેલો લિયનનો નિર્ણય ચર્ચાનો વિષય બન્યો. લિયનની શરતોને કારણે સિવિલ હોસ્પિટલમાં ભરતી થયેલા તબીબો GMERS કોલેજોમાં ફરજ બજાવી રહ્યા છે. રાજ્યની સિવિલ હોસ્પિટલના અંદાજે 150 તબીબો GMERS કોલેજમાં ફરજ બજાવતા હોવાથી સિવિલ હોસ્પિટલોમાં હંમેશા માટે 150 જગ્યાઓ ખાલી રાખવાની મજબૂરી પેદા થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લિયનના નિર્ણયને કારણે થઈ રહેલી સમસ્યા અંગે વાત કરતા ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર રજનીશ પટેલે કહ્યું કે લિયન પર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી અંદાજે 45 તબીબો રાજ્યની GMERS કોલેજોમાં ગયા છે. રાજ્યમાં સરકારે જ્યારે GMERS કોલેજો શરૂ કરી ત્યારે એમાં જરૂરી સંખ્યામાં તબીબી અધ્યાપકોની ભરતી થઈ શકી ન હતી. GMERS કોલેજોમાં જરૂરી ભરતી પુરી ના થતા રાજ્યની સરકારી હોસ્પિટલમાંથી તબીબોને સ્વૈચ્છિક રીતે લિયન પર લઈ જવામાં આવ્યા હતા.


લિયન પર જે તબીબો સિવિલ હોસ્પિટલમાંથી GMERS જાય તેમની જગ્યાઓ ભવિષ્યમાં ભરવામાં નહીં આવે એવો નિર્ણય કરાયો હતો. જે તબીબી અધ્યાપકો લિયન પર સિવિલમાંથી GMERS કોલેજોમાં ગયા એમની જગ્યા સિવિલમાં આજે પણ 10 વર્ષ બાદ ખાલી છે. સરકારના ઠરાવ મુજબ અમદાવાદમાં 45 અને રાજ્યભરમાં અંદાજે 150 જેટલા તબીબો જેઓ GMERS કોલેજોમાં ગયા એ જગ્યા પર નવી નિમણુંક કરી શકાતી નથી.


લિયન પર જે GMERS માં જશે, એ તબીબ ભવિષ્યમાં સિવિલ હોસ્પિટલમાં પરત આવવા માગે તો આવી શકશે એવો ઠરાવ થયો હોવાથી 150 જગ્યાઓ ભરેલી હોવા છતાં સિવિલમાં ખાલી પડી છે. લિયનના ઠરાવ મુજબ સિવિલ હોસ્પિટલના જે વિભાગોમાંથી તબીબોની જગ્યા ખાલી થઈ એમના કામનું ભારણ હાલ જે તબીબી અધ્યાપકો કાર્યરત છે તેઓ ઉઠાવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના અલગ અલગ વિભાગે સરકારને પત્ર લખ્યો છે કે લિયન પર ગયેલા એમના વિભાગના તબીબોને પરત આપવામાં આવે અથવા તો ખાલી થયેલી જગ્યાઓ ભરવામાં આવે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube