અમદાવાદ :  વર્ષ 2002ના નરોડા પાટિયા કેસમાં ગુજરાત હાઈ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. આ ચુકાદામાં માયા કોડનાનીને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. જસ્ટિસ હર્ષા દેવાણી અને ન્યાયમૂર્તિ એ એસ સુપેહિયાની પેનલે આ મામલે સુનાવણી પૂરી થયા બાદ ગત વર્ષ ઓગસ્ટમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસમાં સ્પેશિયલ કોર્ટે ભાજપના ધારાસભ્ય માયા કોડનાની અને બાબુ બજરંગી સહિત 32 લોકોને દોષિત ઠેરવતા ઉમરકેદની સજા સંભળાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નામ ખરડાયું 
2002ના ગુજરાતના રમખાણોની વાત આવે છે જે કિસ્સાઓ ગાજે છે એમાં નરોડા પાટિયા રમખાણનો કિસ્સો ખાસ છે. 27 ફેબ્રુઆરી 2002ની ગોધરાની આ ઘટના બાદ રાજ્યમાં ઠેર-ઠેર ફાટી નીકળેલા કોમી રમખાણોમાં સત્તાવાર આંકડાં અનુસાર 1044 લોકોના મોત થયા હતા જેમાં 790 મુસ્લિમો અને 254 હિંદુઓનો સમાવેશ થતો હતો. 223 લોકો ગુમ થયા હતા તેમજ 2548 ઈજાગ્રસ્ત થયા હતા. આ રમખાણોમાં 919 મહિલાઓ વિધવા બની હતી તેમજ 606 બાળકો અનાથ બન્યા હતા.


નરોડા પાટિયાના આ મામલામાં વિશેષ અદાલતે જે 32 લોકોને દોષિત માન્યા હતા તેમાં માયા કોડનાનીનું નામ પણ સામેલ હતું. માયા કોડનાની પહેલા મહિલા ધારાસભ્ય હતા જેમને ગોધરાકાંડના રમખાણો બાદ સજા ફટકારાઈ હતી. નરોડા પાટિયાની ઘટના 28 જાન્યુઆરી, 2002ના ગોધરાકાંડ બાદ થઈ હતી જ્યારે અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારને ઘેરી લઈને 97 લોકોની હત્યા કરી દેવાઈ હતી. આ સમયે આરોપ હતો કે આ ટોળાંનું નેતૃત્વ માયા કોડનાનીએ કર્યું હતું. એ સમયે માયા કોડનાની તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના માણસ ગણાતા હતા. 


નરોડા પાટિયા કેસ: માયા કોડનાની નિર્દોષ જાહેર, બાબુ બજરંગીની સજા યથાવત


કોણ છે માયા કોડનાની?
માયા કોડનાની ભાજપની ટિકિટ પર ત્રણ વાર ધારાસભ્ય બની ચુક્યા છે અને મોદી સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે. તેમનો પરિવાર ભારત અને પાકિસ્તાનના ભાગલા પહેલા સિંધમાં રહેતો હતો પણ પછી ગુજરાતમાં આવીને વસ્યો હતો. માયાબહેન પોતે ક્વોલિફાઇડ ગાયનેકોલોજિસ્ટ હતા પણ તેઓ આરએસએસના સભ્ય તરીકે અત્યંત સક્રિય હતા. નરોડામાં તેમની પોતાની મેટરનિટી હોસ્પિટલ હતી પરંતુ તેમની પ્રાથમિકતા રાજકારણ રહ્યું છે. તેમના પતિ સુરેન્દ્ર કોડનાની પણ જનરલ ફિઝિશિયન છે. 


બ્રાઇટ કરિયર
પોતાના કૌશલને કારણે માયાબહેન બીજેપીમાં લોકપ્રિય હતા અને તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ટોચના નેતા લાલકૃષ્ણ અડવાણીની નજીકના માણસ ગણાતા હતા. 1998 સુધી તે નરોડાના વિધાનસભ્ય બની ગયા હતા. જોકે 2002ના રમખાણોમાં તેમનું નામ સામે આવતા જ તેમની કરિયરને મોટો ડાઘ લાગ્યો હતો. 2002 તેમજ 2007માં થયેલી થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તે વિજયી રહ્યા હતા. જોકે, 2009માં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વિશેષ ટીમે તેમને પુછપરછ માટે સમન્સ પાઠવ્યું અને બાદમાં તેમની ધરપકડ કરી લેવાઈ હતી જેના કારણે તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. આખરે 31 ઓગષ્ટ, 2012ના રોજ તેમને 28 વર્ષની કેદની સજા ફટકારાઈ હતી.