પોરબંદરમાં રસ્તા પર દોડ્યો સિંહ, 2 લોકો પર કર્યો હુમલો
પોરબંદરના માધવપુરમાં પહેલીવાર સિંહ જોવા મળ્યો હતો. પરંતુ લોકો સિંહ જોઈને હરખાય તે પહેલા જ એક ઘટના બની હતી. રહેણાંક વિસ્તારમાં આવી ચઢેલા સિંહે એક આધેડ પર હુમલો કર્યો હતો.
અજય શીલુ/પોરબંદર : પોરબંદરના માધવપુરમાં પહેલીવાર સિંહ જોવા મળ્યો હતો. પરંતુ લોકો સિંહ જોઈને હરખાય તે પહેલા જ એક ઘટના બની હતી. રહેણાંક વિસ્તારમાં આવી ચઢેલા સિંહે એક આધેડ પર હુમલો કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદરના માધવપુર ગામે મધુવન વિસ્તારમાં પહેલીવાર સિંહ આવી ચઢ્યો હતો. રહેણાંક વિસ્તારમાં આવી ચઢતા તેને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેને પગલે સિંહ પણ ગભરાયો હતો, અને ગભરાટમાં તેણે દોટ મૂકી હતી. ટોળાને જોઈને ગુસ્સે થયેલા સિંહે બે વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. સિંહ જે રીતે ભાગમભાગ કરી રહ્યો હતો તે જોતા લોકો ભયભીત થઈ ગયા હતા અને પોતાનો જીવ બચાવવા દોડ્યા હતા. એક તરફ લોકોને સિંહને જોવાની પણ ઉત્સુકતા હતા.
સિંહના હુમલાથી એક આધેડ અને એક યુવક ઘવાયો હતો. બીજી તરફ, સિંહને પકડવા માટે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સિંહ ક્યાંથી આવ્યો અને કેવી રીતે આવ્યો તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. કારણ કે, આ વિસ્તારમાં ક્યારેય સિંહ આવતા નથી. તેથી સિંહ કેવી રીતે આવી ચઢ્યો તે વન વિભાગ માટે મોટો સવાલ છે.