જૂનાગઢઃ ગીરના જંગલમાં વિવિધ કારણોસર 23 સિંહનાં મોત બાદ અન્ય સિંહોને ચેપ ન લાગે તે માટે રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ માટે ખાસ અમેરિકાથી કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસની રસી મંગાવવામાં આવી છે. જસાધર રેન્જમાં રાખવામાં આવેલા સિંહોને આજથી વેક્સિન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ મામલે સીસીએફ વાઇલ્ડલાઇફ જૂનાગઢ તરફથી માહિતી આપવામાં આવી હતી કે, રેસ્ક્યૂ કરવામાં આવેલા સિંહોનાં રસિકરણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ માટે દેશ તેમજ વિદેશના ટોચના સિંહ નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે. સિંહોની સુરક્ષાની બાબતને સરકાર પ્રાથમિકતા આપી રહી છે.
 
સિંહોનું વેક્સિનેશન થયું શરૂ 
ઇનફાઇટ સહિત અલગ અલગ કારણોથી ગીરના જંગલમાં 23 સિંહના મોત બાદ જંગલખાતાએ 31 સિંહને દલખાણિયા રેન્જમાંથી રેસ્ક્યૂ કરીને તેમને જામવાળા એનિમલ સેન્ટરમાં રાખ્યા છે. 31 સિંહોમાં 13 સિંહબાળ, 13 માદા સિંહ અને પાંચ નર સિંહનો સમાવેશ થાય છે. જ્યારે જસાધાર રેન્જમાં પાંચ સિંહને રેસ્ક્યૂ કરીને રાખવામાં આવ્યા છે. આ રીતે કુલ 36 સિંહોને હાલ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાંથી પુખ્તવયના સિંહોને રસી આપવાની કામગીરી શરૂકરી દેવામાં આવી છે. બાળ સિંહોને આ રસી આપવામાં નહિં આવે તેવું પણ જણાવામાં આવ્યું છે. 


અમેરિકાથી 500 વેક્સિન મંગાવાશે 
મહત્વનું છે, કેઅમેરિકાથી 300 રસી મંગાવામાં આવી હતી. અને હવે નવી 500 રસીનો ઓર્ડર આપી દેવામાં આવી છે.  મળતી માહિતી પ્રમાણે શનિવારથી જ વેક્સિન આપવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. બાકી રહેલા સિંહોને રવિવાર સુધીમાં વેક્સિન આપી દેવામાં આવશે. આ માટે વનવિભાગના પાંચ ડોક્ટરો સતત રેસ્ક્યૂ કરાયેલા સિંહો પર નજર રાખી રહ્યા છે.