ઝી બ્યુરો/રાજકોટ: શહેરમાં આજે બપોરે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. બપોર પછી 4 વાગ્યા પછી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં ભારે પવન અને વીજળીના ગડગડાહટ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જોકે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. તેમજ અનેક જગ્યાએ ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા. વીજળીના કડાકાને ભડકાથી શહેરમાં વાતાવરણ ડરામણું બની ગયું હતું. ત્યારે સોશિયલ મીડિયામાં હાલ વીજળીનો દિલધડક વીડિયો વાયરલ થયો છે. રાજકોટના હનુમાન મઢી ચોક નજીક લાઇવ વીજળી પડતી કેમેરામાં કેદ થઈ હતી.


રાજકોટમાં એક કલાકમાં ધોધમાર 1 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. અનેક સ્થળે વૃક્ષ ધરાશાયી થયાનું જાણવા મળી રહ્યું છે. શહેરના રૈયા રોડ, રેસકોર્સ રોડ, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, કાલાવડ રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, 150 ફૂટ રિંગ રોડ, યુનિવર્સિટી સહિતના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં છે. લોકો વરસાદની મજા લેવા બહાર નીકળ્યા હતા. ભારે બફાર માંથી લોકોએ મુક્તિ મેળવી છે અને શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદથી શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. શહેરના નાણાવટી ચોક અને રામાપીર ચોકડીએ રસ્તા પર એક-એક ફૂટ ભરાઇ ગયા હતા. આથી વાહનચાલકો પણ પરેશાન બન્યા હતા.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube