ઝી 24 કલાક મહાસન્માન : પીએમ મોદીના `નયા ભારત` નિર્માણમાં ગુજરાત રોલ મોડલ બને- સીએમ રૂપાણી
રાજ્યના ઉદ્યોગપતિઓનું મહાસન્માન કરવા આવેલા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, `દેશના અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવા માટે ગુજરાત દેશમાં રોલ મોડેલ બનશે. ગુજરાતે એમએસએમઈ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજ્યએ પહેલા ઉદ્યોગ સ્થાપવા અને પછી જરૂરી ત્રણ વર્ષમાં લઈ લેવાની જાહેરાત કરાઈ છે. એમએસએઈને વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે રાજ્ય સરકારે વિશેષ સોલાર પોલીસી બનાવી છે. રાજ્યમાં અનેક વેપાર-ઉદ્યોગોને `લાયસન્સ રાજ`માંથી મુક્તી આપી. વડાપ્રધાન મોદીના `નયા ભારત` નિર્માણના સ્વપ્નમાં ગુજરાત રોલ મોડલ બને, ગુજરાત પહેલ કરે, ગુજરાતીઓ વધુ ને વધુ સાહસ કરતા થાય એવી આપ સૌ પાસે અપેક્ષા છે. `
અમદાવાદઃ ગુજરાતીઓના લોહીમાં સદીઓથી વેપાર વણાયેલો છે. ગુજરાતની ઉદ્યોગપતિઓ દેશ-વિદેશમાં ફેલાયેલા છે. દેશાંતર પાર પણ ગુજરાતીઓએ પોતાની કોઠાસૂઝ વડે વેપાર-ધંધામાં કાઠું કાઢેલું છે. વહાણ લઈને વેપાર-ધંધો કરવા અનેક દેશો સુધી પહોંચેલા ગુજરાતીઓની જાજરમાન શૌર્યગાથાથી ગુજરાતનો ઈતિહાસ ભરેલો છે. આવા જ ખમીરવંતા ઉદ્યોગપતિઓનું ઝી 24 કલાક દ્વારા ગુરૂવારે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે 'મહાસન્માન'ના કાર્યક્રમનું આયોજન કરાયું હતું
ગુજરાતના MSME ક્ષેત્રના સાહસિક ઉદ્યોગપતિઓનું સન્માન કરવા માટે ઝી 24 કલાક દ્વારા ગુરૂવારે અમદાવાદના ઉસ્માનપુરામાં આવેલી હોટલ હયાત ખાતે સાંજે 7.00 કલાકે ‘મહાસન્માન 2019 - એક શામ ઉદ્યોગ સાહસિકોને નામ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઝી મીડિયાના સીઈઓ પુરુષોત્તમ વૈષ્ણવ, ઝી 24 કલાકના એડિટર દિક્ષીત સોની, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, અમુલના ચેરમેન આર.એસ. સોઢી, અમદાવાદના મેયર બિજલબેન પટેલ સહિતના ગુજરાતના વિવિધ ક્ષેત્રોના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઝી 24 કલાકના સીઈઓ પુરુષોત્તમ વૈષ્ણવે જણાવ્યું કે, "હું રાજસ્થાનથી આવું છુ. રાજસ્થાન અને ગુજરાતની ધરતીમાં ખાસ વાત છે. કોઈ કહે છે કે, અહીંની માટી સોનું ઉગાડે છે. ગુજરાતની ધરતી ઉદ્યોગપતિઓને જન્મ આપે છે. હું આપ સૌનું ગુજરાતની પ્રગતિમાં યોગદાન આપવા બદલ અભિવાદન કરું છું. ગુજરાતની પ્રગતિમાં તમારું અપ્રતિમ યોગદાન છે. તમે ઉદ્યોગ સાહસિક રાજ્ય અને દેશના અર્થતંત્રની ધમની છો. એમએસએમઈ ઉદ્યોગો ઘણી વખત ધ્યાનમાં આવતા નથી, પરંતુ ગુજરાત સરકારનાં પ્રયાસોના કારણે આ ઉદ્યોગો આજે અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર બનેલા છે. ગુજરાતના આ ઉદ્યોગ સાહસિકોના પરિણામે જ ગરીબોના ઘરનો ચૂલો સળગે છે. તમને સૌને ખુબ-ખુબ અભિનંદન. ગુજરાતની ધરતીના આ ખમીરવંતા ઉદ્યોગપતિઓનું હું સ્વાગત કરું છું."