Local Body Polls : અમદાવાદમાં આ સિનિયર નેતાઓનું પત્તું કપાઈ શકે છે, ચૂંટણીમાં ફેરવાશે કાતર
- આજે બપોર બાદ અમદાવાદના 48 વોર્ડ માટે ઉમેદવાર નક્કી કરવા કવાયત હાથ ધરાશે
- અમદાવાદના 13 થી વધુ કોર્પોરેટરોને ટિકિટ નહિ મળે તેવી શક્યતા
- 16 થી વધુ કોર્પોરેટર્સને ભાજપના આ નિયમથી ઘરે બેસવાનો વારો આવી શકે છે
બ્રિજેશ દોશી/અમદાવાદ :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Polls) માં ઉમેદવારોના નામની જાહેરાત પર સૌની નજર છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી આ વખતે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ નહીં આપે. મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપે (BJP) કેટલાક માપદંડ નક્કી કર્યા છે. જેમાં ભાજપમાં 60 વર્ષથી વધુ ઉંમરના દાવેદારને ટિકિટ નહી આપવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ નેતાઓના પરિવારના સભ્ય કે સગાને ટિકિટ નહીં મળે. 3 ટર્મ પૂરી થઇ હોય તેને પણ પક્ષ ટિકિટ નહીં આપે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં ત્રણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. સુરત, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકાના ઉમેદવારો પણ આજે નક્કી થશે. તો 4 ફેબ્રુઆરીથી ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહેલા ભાજપના દાવેદારોને આ સમાચારથી મોટો ઝટકો લાગ્યો છે. પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે દાવેદારોને ટિકિટ આપવાના નિયમોમાં કેટલાક એવા ધરખમ ફેરફાર કર્યાં છે. આ ફેરફારોના કારણે પક્ષના નેતાઓને હવે પોતાનું પત્તુ કપાવવાનો ડર લાગી રહ્યો છે. નવા માપદંડોથી ક્યા નેતાઓનું સત્તામાં આવવાનું સપનું રોળાઈ શકે છે.
આ પણ વાંચો : કડકડતી ઠંડીમાં ગોધરા હાઈવે પર ખાનગી બસ પલટી, 7 મુસાફરો ઈજાગ્રસ્ત
સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ભાજપનું મંથન ચાલી રહ્યું છે. ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે બપોર બાદ અમદાવાદ (ahmedabad) ના 48 વોર્ડ માટે ઉમેદવાર નક્કી કરવા કવાયત હાથ ધરાશે. નવા નિયમો પ્રમાણે વર્તમાન કોર્પોરેટરોની ટિકિટ કપાઈ શકે છે. 60 વર્ષથી વધુ વયના કોર્પોરેટરોને ટિકિટ નહિ મળે તેવું પહેલેથી જ જાહેર થઈ ગયું છે, ત્યારે અમદાવાદના આ 13 થી વધુ કોર્પોરેટરોને ટિકિટ નહિ મળે તેવી શક્યતા છે.
ચાંદખેડા : કલ્પના વૈદ્ય, જયંતિ જાદવ
સાબરમતી : ચંચળબેન પરમાર
સૈજપુર બોધા : ક્રિષ્નબેન ઠાકર
શાહીબાગ : પ્રવીણ પટેલ
જોધપુર : મીનાક્ષી બેન પટેલ, રશ્મિકાંત શાહ
નિકોલ : હીરાબેન પટેલ
વિરાટનગર ચંદ્રાવતી ચૌહાણ
બાપુનગર : મધુકાંતાબેન લેઉઆ
ખાડીયા : મયુર દવે
મણિનગર : અમુલ ભટ્ટ
વસ્ત્રાલ : મધુબેન પટેલ
ભાઈપુરા હાટકેશ્વર : સુધાબેન સાગર
ખોખરા: નયન બ્રહ્મભટ્ટ
અમદાવાદના પૂર્વ મેયર, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન સહિત બીજા 16 થી વધુ કોર્પોરેટર્સને ભાજપના આ નિયમથી ઘરે બેસવાનો વારો આવી શકે છે. ભાજપના જૂના જોગીઓ સહિત અનેક નેતાઓના પત્તા કપાઈ શકે છે.