Parshottam Rupala: ગુજરાત જે ભાજપનો મજબૂત ગઢ ગણાય છે અને છેલ્લી બે લોકસભા ચૂંટણીથી તમામ 26 બેઠકો ભાજપની ઝોળીમાં આવેલી છે તે જ ગુજરાતમાં આ વખતની લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે જે રીતે ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે અને તેની અસર માત્ર રાજકોટ પૂરતી સીમિત નહીં પરંતુ દાવાનળની જેમ બીજા વિસ્તારોમાં પણ પ્રસરી રહી છે તેને લઈને ભાજપ નેતૃત્વ ચિંતાતૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્ષત્રિયની નારાજગી જ એકમાત્ર ભાજપ માટે ચિંતાનું કારણ નથી. આ ઉપરાંત પણ બીજા પરિબળો છે જે દર્શાવે છે કે ભાજપનો આંતરિક કલેહ પણ પાર્ટીને નુકસાન પહોંચાડે તે નકારી શકાય નહીં. આ ઉપરાંત આ વખતે ભાજપે સુરતથી કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ અને સુરેન્દ્રનગરથી મહેન્દ્ર મુંજપરા સહિત 14 વર્તમાન સાંસદોની પણ ટિકિટ કાપીને સોંપો પાડ્યો છે. જ્યારે બે કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયાને પોરબંદરથી અને પરશોત્તમ રૂપાલાને રાજકોટથી મેદાને ઉતાર્યા છે. પરંતુ એમા પણ રૂપાલા સામેનો ક્ષત્રિયોનો આક્રોશ ભારે પડી રહ્યો છે. 


ઉમેદવારો બદલવા પડ્યા
રૂપાલા સામેના ક્ષત્રિયોના વિવાદ પહેલા ભાજપે કાર્યકરોના વિરોધ બાદ બે ઉમેદવારો બદલવાનો વારો આવ્યો હતો. જેમાં વડોદરામાં પાર્ટીએ શરૂઆતમાં હાલના સાંસદ રંજનબેન ભટ્ટને ટિકિટ આપી હતી પરંતુ હવે તેમની જગ્યાએ 33 વર્ષના હેમાંગ જોશી ચૂંટણી લડી રહ્યા છે. જે રાજ્યના સૌથી યુવા ઉમેદવાર છે. બીજી બાજુ સાબરકાંઠામાંથી ભીખાજી ઠાકોરની જગ્યાએ શોભનાબેન બારૈયાને ટિકિટ અપાઈ. 


ગુજરાતમાં AAP અને કોંગ્રેસનું ગઠબંધન
ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધનમાં ચૂંટણી લડી રહી છે જેમાં આપ ભરૂચ અને ભાવનગરથી ચૂંટણીના મેદાનમાં છે જ્યારે બાકીની 24 બેઠકો પરથી કોંગ્રેસ ચૂંટણી લડી રહી છે. રાજકોટમાં રૂપાલા વિવાદમાં કોંગ્રેસને ફાયદો થવાની આશા દેખાઈ રહી છે. જેના કારણે રાજકોટ બેઠકથી રૂપાલા સામે મજબૂત ઉમેદવાર પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. 


રૂપાલા સામે વિરોધ હવે ભાજપ સામેનો વિરોધ બની રહ્યો છે
પરશોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં ન આવતા હવે ક્ષત્રિયોનો રૂપાલા સામેનો વિરોધ ધીરે ધીરે ભાજપ સામેના વિરોધમાં ફેરવાતો જોવા મળી રહ્યો છે. અન્ય બેઠકો પર ભાજપના ઉમેદવારોએ ક્ષત્રિયોની આકરી નારાજગીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેના કારણે ભાજપ પણ હવે ચિંતિત બન્યો છે. આ બધા વચ્ચે ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ ભગવા રંગની રક્ષા માટે કમળને મત આપવાની અપીલ પણ સોશિયલ મીડિયામાં કરી નાખી. ક્ષત્રિય સમાજને અપીલ કરતા કહયું કે આપણે સૌએ વિચારવાની જરૂર છે કે અત્યારે દેશને કોની જરૂર છે. કોઈ એક ઘટનાના કારણે આખા દેશના ભવિષ્યને જોખમાં મુકીશું તો શું આવનારી પેઢી આપણને માફ કરશે? ઈતિહાસમાં અનેક એવી ઘટના છે જેમાં ક્ષત્રિયોએ ખાનદાની દેખાડીને ક્ષમા વીરસ્ય ભૂષણમ સૂત્રને સાર્થક કર્યું છે. પીએમ મોદી દેશમાં સાંસ્કૃતિક પુન:જાગરણ કરી રહ્યા છે, સનાતન ધર્મની વિચારધારાને મજબૂત કરી છે. આમ છતાં હજું પણ ક્ષત્રિયોની નારાજગી યથાવત છે. 


રૂપાલાની માફી પણ કામ ન લાગી
પોતાના નિવેદન બદલ રૂપાલાએ અનેકવાર માફી માંગી પરંતુ હજુ પણ ક્ષત્રિયોનો ગામે ગામ રૂપાલા અને હવે તો ભાજપ સામે વિરોધ યથાવત છે. ભાજપ વિરુદ્ધ મતદાનની કસમો પણ ખવાઈ છે. હજુ સુધી સરકાર, સત્તાધારી પાર્ટીના નેતાઓ અને રાજપૂત સમુદાયના પ્રતિનિધિઓ વચ્ચે અનેક બેઠકો છતાં મામલો ઉકેલાઈ શક્યો નથી. પ્રતિદિન અનેક સ્થાનો પર રાજપૂત સમુદાયના સભ્યો સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય ભાગોમાં ભાજપના ચૂંટણી અભિયાનો કાર્યક્રમો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રકારના વિરોધ પ્રદર્શનોએ જામનગર, સાબરકાંઠા, પાટણ, ભાવનગર, સુરેન્દ્રનગર અને અન્ય સ્થાો પર ભાજપના અભિયાનોની હવા કાઢી છે. 


ભાજપને હવે આ ટ્રમ્પકાર્ડ પર આશ
ભાજપ હવે પોતાના ટ્રમ્પ કાર્ડ એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આશા રાખીને બેઠો છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદી 1 અને 2 તારીખે ગુજરાતમાં છે. આ બે દિવસમાં તેઓ 6 જાહેર સભાઓ સંબોધશે. કદાચ વડોદરામાં રોડ શો પણ કરી શકે. પીએમ મોદીનો પ્રવાસ દ.ગુજરાતની બેઠકો ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને પણ આવરી લેશે. જેમાં દરેક સભામાં આજુબાજુની ત્રણ ચાર બેઠકોને આવરી લેવાશે. નોંધનીય છે કે ભાજપ માટે આણંદ, રાજકોટ, બનાસકાંઠા, વલસાડ,સુરેન્દ્ર નગર, જામનગર જેવી બેઠકો પર ક્ષત્રિયો પડકાર આપી રહ્યા છે. 


ક્યાં કયાં સભા 
પીએમ મોદી ગુજરાતના સ્થાપના દિવસે એટલે કે પહેલી મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, જ્યારે 2જી મેના રોજ આણંદ, સુરેન્દ્ર નગર, જૂનાગઢ અને જામનગરમાં ચૂંટણી સભા કરવાના છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube