લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થયું. એક સુરતની બેઠક બિનહરીફ જાહેર થઈ અને ભાજપને ફાળે ગઈ. જે સીટ પર સૌથી વધુ વિવાદ જોવા મળ્યો હતો તે રાજકોટની બેઠક પર ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા મેદાનમાં હતા અને કોંગ્રેસની ટિકિટ પરથી પરેશ ધાનાણી ચૂંટણીના મેદાનમાં હતા. રૂપાલાને ક્ષત્રિય સમાજનો વિવાદ નડ્યો હતો. જેણે માત્ર રાજકોટની બેઠક પર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું હતું. હવે રૂપાલા જ્યાંથી ચૂંટણી લડ્યા તે રાજકોટ બેઠકની જસદણ વિધાનસભા વિસ્તારમાં સૌથી ઓછું મતદાન નોંધાયું જે આશ્ચર્ય કહેવાય કારણ કે તે કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયાનો મતવિસ્તાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આટલા લોકોએ કર્યું મતદાન
છેલ્લે આવેલા ફાઈનલ આંકડા મુજબ ગુજરાતમાં સરેરાશ 60.13 ટકા મતદાન નોંધાયુ છે. જેમાં રાજકોટ બેઠક પર 59.69 ટકા મતદાન થયું છે. રાજકોટમાં કુલ મતદારો 21,12,273 છે જેમાંથી 12,60,768 મતદારો મતાધિકારનો ઉપયોગ કર્યો. રાજકોટ લોકસભા બેઠક હેઠળ જે વિધાનસભા બેઠકો આવે છે તેમાં સૌથી વધુ મતદાન ટંકારા વિસ્તારમાં 65.88 ટકા જ્યારે સૌથી ઓછું જસદણમાં 55.69 ટકા મતદાન થયું. આ ઉપરાંત રાજકોટ ઈસ્ટ વિધાનસભા મતવિસ્તારમાં 57.88 ટકા, રાજકોટ ગ્રામ્યમાં 58.58 ટકા, રાજકોટ દક્ષિણમાં 57.80 ટકા, રાજકોટ પશ્ચિમમાં 57.84 ટકા, અને વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં 64.67 ટકા મતદાન નોંધાયુ છે. 


કુંવરજી બાવળિયાના વિસ્તારમાં સાવ નીરસ મતદાન
રાજકોટ લોકસભા બેઠક પર 2036 મતદાન મથકો પર મતદાન થયું હતું. જેમાંથી 10,93,626 પુરુષોમાંથી 7,05,583 પુરુષ મતદારોએ અને 10,18,611 મહિલા મતદારોમાંથી 5,55,179 મહિલાઓ મતદાન કર્યું. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના મતવિસ્તારમાં સૌથી ઓછું મતદાન 55.69 ટકા નોંધાયું. એટલે કે તેઓ પણ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા માટે જંગી મતદાન કરાવવામાં સફળ રહ્યા નહીં. પુરુષોમાં ઠીક ઠીક જ્યારે મહિલાઓમાં તો સાવ નીરસ મતદાન જોવા મળ્યું. 


4 તારીખે પરિણામ
ક્ષત્રિય આંદોલન કેટલું અસરકારક નીવડ્યું તે તો હવે 4થી જૂને જ ખબર પડી શકશે. ત્યાં સુધી રાહ જોવી પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube